અયોધ્યા રામ મંદિરમાં કપાટ બંધ કરવા પડ્યા, ભારે ભીડને કારણે નિર્ણય લેવો પડ્યો
રામલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે
Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતા. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી અહીં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારથી લોકો લાઈનમાં ઉભા છે. સવારે 10-11 વાગ્યાની આસપાસ ભીડ વધવાને કારણે રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનો પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી.
મંદિરની બહાર સુરક્ષા જવાનો તહેનાત
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના દર્શન માટે એકઠી થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિરની બહાર સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આમંત્રિત મહેમાનોને જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં એન્ટ્રી આપવામાં આવી હતી જ્યારે આજે સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ શરુ કરાતા જ રાતથી જ લાંબી લાઈનો લાગી હતી.
અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો
રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા છે. ભીડમાં હાજર લોકો ગેટની સામે 'જય શ્રી રામ'ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી કરી રહ્યા છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે. રામ મંદિરમાં (Ram Mandir) ગઈકાલે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. આ મહોત્સવના લગભગ 2 અઠવાડિયા પહેલા જ અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો થયો છે. અહીં હોટેલમાં એક દિવસના રૂમની કિંમત સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, અને હોટલના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે.
રામલલાના કપડાનો રંગ જૂની પરંપરા અનુસાર રહેશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર, રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. રામમંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14 થી 15 કલાક ખુલ્લુ રહી શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 1949માં પ્રગટ થયેલા શ્રી રામલલાના કપડાનો રંગ દિવસના હિસાબે હતો. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે.