બેંગલુરુમાં એન્જિનિયરે ડિજિટલ એરેસ્ટમાં રૂ. 12 કરોડ ગુમાવ્યા
- સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની વધતી જતી ઘટનાઓ
- નકલી પોલીસ બનીને ગુનેગારોએ 39 વર્ષીય પીડિતને સુપ્રીમ કોર્ટનો ડર બતાવી રૂ. 11.8 કરોડની છેતરપિંડી કરી
છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટથી જોડાયેલી અનેક છેતરપિંડી સામે આવી રહી છે. છેતરપિંડી કરનારાઓથી બચવા માટે સરકાર દ્વારા મોબાઇલ પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં છતરપિંડી બંધ થઇ રહી નથી.
બેંગાલુરુમાં એક સોફ્ટવેર એન્જિનિયર ડિજિટલ એરેસ્ટનો શિકાર થઇ ગયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ૩૯ વર્ષીય પીડિત સાથે નકલી પોલીસ બનીને છેતરપિંડી કરનારાઓએ સુપ્રીમ કોર્ટનો ડર બતાવી ૧૧.૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
નકલી પોલીસ અધિકારી બનીને ગુનેગારોએ પીડિતને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ માટે બૈેંક ખાતું ખોલવા માટે તેના આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. છેતરપિંડી ૨૫ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બરની વચ્ચે આચરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતે પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે ૧૧ નવેમ્બરે તેને એક વ્યકિતનો ફોન આવ્યો હતો જેણે પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો અધિકારી ગણાવ્યો હતો.
નકલી અધિકારીએ દાવો કર્યો હતો કે તેનું સિમ કાર્ડ જે આધાર કાર્ડથી જોડાયેલો છે તેનો ઉપયોગ ગેરકાયદે જાહેરાતો માટે કરવામાં આવી રહ્યો છે. આ સંબધમાં મુંબઇના કોલાબા સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ તેને એક પોલીસ અધિકારી હોવાનો દાવો કરનાર અન્ય એક વ્યકિત ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે મની લોન્ડરિંગ માટે બેંક ખાતા ખોલવા માટે તેમના આધારનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે કેસની ગોપનીય રાખવાની ધમકી આપી અને જણાવ્યું કે તે તપાસમાં સહકાર નહીં આપે તો તેની ધરપકડ કરાશે.
ત્યારબાદ પીડિતને અન્ય એક વ્યકિતનું ફોન આવ્યો અને તેને સ્કાઇપ એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મુંબઇ પોલીસનું યુનિફોર્મ પહેરેલ એેક વ્યકિતએ તેને વીડિયો કોલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે એક બિઝનેસમેને ૬ કરોડ રૂપિયાની લેવડદેવડ માટે તેમના આધારનો ઉપયોગ કરી એક બેંક ખાતું ખોલાવ્યું છે.
પીડિતના જણાવ્યા અનુસાર ૨૫ નવેમ્બરે પોલીસ યુનિફોર્મમાં અન્ય એક વ્યકિતએ સ્કાઇપ પર કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઇ છે અને જો તેની સૂચનાઓનું પાલન નહીં કરાય તો તેના પરિવારની ધરપકડ કરવામાં આવશે.
આરબીઆઇના નકલી દિશાનિર્દેશોનો સંદર્ભ આપીને છેતરપિંડી આચરનારાઓએ પીડિત પાસે સત્યાપન ઉદ્દેશો માટે કેટલાક ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
પીડિતે ધરપકડના ડરથી બચવા માટે કુલ ૧૧.૮ કરોડ રૂપિયા વિભિન્ન બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતાં. જ્યારે તે વધુ નાણાની માંગ કરવા લાગ્યા તો પીડિતને ખ્યાલ આવ્યો કે છેતરપિંડીનો શિકાર થઇ ગયો છે.