Get The App

પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો અંત : ઉલ્ફા-કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
પૂર્વોત્તરમાં ઉગ્રવાદનો અંત :  ઉલ્ફા-કેન્દ્ર સરકાર વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર 1 - image


- મોદી સરકારે પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં નવ શાંતિ કરાર કરાવ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી

- શાંતિ કરાર સાથે ઉલ્ફાના 700 ફાઈટરનું આત્મસમર્પણ, ઉગ્રવાદી હિંસામાં અંદાજે 10 હજારથી વધુ લોકોનાં મોત થયા

- અરવિંદ રાજખોવાના નેતૃત્વવાળા જૂથે કરાર પર હસ્તાક્ષર કર્યા, પરેશ બરુઆના જૂથનો શાંતિ સમજૂતીમાં જોડાવા ઈનકાર

નવી દિલ્હી : ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા) અને અસમ સરકાર વચ્ચે શુક્રવારે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયો છે. છેલ્લા ૪૦ વર્ષમાં પહેલી વખત સશ ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા સાથે ભારત અને અસમ સરકાર વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ શાંતિ સમજૂતીથી અસમમાં દાયકાઓ જૂના ઉગ્રવાદનો અંત આવવાની આશા છે. જોકે, પરેશ બરુઆના નેતૃત્વવાળુ ઉલ્ફાનું કટ્ટરપંથી જૂથ આ સમજૂતીનો ભાગ નથી. આ જૂથે સરકાર દ્વારા રજૂ કરાયેલ સમજૂતીમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉલ્ફાના વાટાઘાટ સમર્થ જૂથે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કેન્દ્ર અને અસમ સરકાર સાથે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, અરવિંદ રાજખોવાના નેતૃત્વવાળા ઉલ્ફા જૂથ અને સરકાર વચ્ચે ૧૨ વર્ષની શરત વિના વાતચીત પછી આ કરાર થયા છે. ભારત સરકારે આ કરારને પૂર્વોત્તરમાં શાંતિ પ્રયાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.ઉલ્ફા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી રાજખોવા જૂથ ૩ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં જોડાયું હતું.

શાંતિ વાટાઘાટોના પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મારા માટે આ આનંદની વાત છે કે આજનો દિવસ અસમના ભવિષ્ય માટે ઉજ્જવળ દિવસ છે. લાંબા સમય સુધી અસમ અને પૂર્વોત્તરના વિસ્તારે હિંસાનો સામનો કરવો પડી રહ્યો હતો. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારની રચના થયા પછી તેણે પૂર્વોત્તરના વિસ્તારને હિંસામુક્ત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં ૯ શાંતિ કરાર થયા છે. અસમના ૮૫ ટકા વિસ્તાર પરથી આફસ્પા હટાવવામાં આવ્યો છે. ત્રિપક્ષીય સમજૂતીથી અસમમાં હિંસા અટકી શકશે. ઉલ્ફાના ઉગ્રવાદીઓની હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. આ શાંતિ કરાર સાથે આજે ઉલ્ફાના ૭૦૦ ફાઈટરે આત્મસમર્પણ કરી દીધું છે.

અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, આજે અસમ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં અસમની શાંતિ પ્રક્રિયા સતત ચાલુ રહી છે. ત્રણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને ત્રણ સમજૂતી સાથે અસમમાં આદિવાસી ઉગ્રવાદ સમાપ્ત થઈ ગયો છે. જોકે, પરેશ બરુઆના અધ્યક્ષપદવાળા ઉલ્ફાના કટ્ટરપંથી જૂથે આ સમજૂતીમાં જોડાવાનો ઈન્કાર કર્યો છે. માનવામાં આવે છે કે બરુઆ ચીન-મ્યાંમાર સરહદ પાસે રહે છે.

ઉલ્ફા અને સરકારો વચ્ચેનો કરારની જોગવાઈ

ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ અસમના લોકોનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેશે. અસમના લોકો માટે વધુ સારા રોજગારના સાધન રાજ્યમાં ઉપલબ્ધ કરાશે. ઉગ્રવાદી સંગઠનના સભ્યોને સરકાર રોજગારની પર્યાપ્ત તકો પૂરી પાડશે. ઉલ્ફાના જે સભ્યોએ સશ આંદોલનનો માર્ગ છોડી દીધો છે, તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ભારત સરકાર શક્ય તમામ પ્રયત્નો કરશે.

1979માં ઉલ્ફાની સ્થાપના થઈ

ઉલ્ફાની રચના ૧૯૭૯માં સંપ્રભુ અસમની માગ સાથે કરાઈ હતી. ત્યાર પછી તેણે અનેક વિનાશક પ્રવૃત્તિઓ આચરી, જેના કારણે કેન્દ્ર સરકારે ૧૯૯૦માં તેને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ઉલ્ફા સાથે ભારત સરકારે અનેક વખત વાટાઘાટો માટે પ્રયત્ન  કર્યા હતા. પરંતુ ઉલ્ફામાં આંતરિક ઘર્ષણ હોવાના કારણે વાટાઘાટોમાં અવરોધો પેદા થતા હતા. અંતે વર્ષ ૨૦૧૦માં ઉલ્ફાનું બે ભાગમાં વિભાજન થઈ ગયું. એક ભાગનું નેતૃત્વ અરવિંદ રાજખોવાએ કર્યું, જે સરકાર સાથે વાતચીતની તરફેણમાં હતા અને બીજા જૂથનું નેતૃત્વ પરેશ બરુઆએ કર્યું, જે વાટાઘાટોની વિરોધમાં હતા.


Google NewsGoogle News