જમ્મુ-કાશ્મીરમાં આતંકનો અંત હાથવેંતમાં : મોદી

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાં આતંકનો અંત હાથવેંતમાં : મોદી 1 - image


- હરિયાણામાં કોંગ્રેસ રાજમાં માત્ર એક જિલ્લાનો વિકાસ થયો, ભાજપની હેટ્રિક નિશ્ચિત

- જમ્મુ-કાશ્મીરની ચૂંટણી 'ત્રણ 'ખાનદાન' અને 'યુવાનો' વચ્ચે છે, અબ્દુલ્લા-મુફતીએ વર્ષો સુધી લોકોને એસસી-એસટી, ઓબીસી અનામતથી વંચિત રાખ્યા

ડોડા : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ચાર દિવસમાં જ પહેલા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકી હુમલા વધી રહ્યા છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડોડા જિલ્લામાં ચૂંટણી રેલીમાં વિપક્ષની ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં આવી રહેલું પરિવર્તન અમારી સરકારના ૧૦ વર્ષના પ્રયત્નોનું પરીણામ છે. અહીં આતંકવાદ અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. પીએમ મોદીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં રેલી કરી હતી, જેમાં કોંગ્રેસ પર ચાબખા મારતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ રાજમાં માત્ર એક જિલ્લાનો વિકાસ થયો. રાજ્યમાં ભાજપની જ સરકાર બનશે. તેની હેટ્રિક નિશ્ચિત છે.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મોસમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોડા જિલ્લામાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને પરિવારવાદે ખોખલું કરી નાંખ્યું છે. પરંતુ આ ચૂંટણી ત્રણ પરિવારો અને જમ્મુ-કાશ્મીરના નવયુવાનો વચ્ચે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે આતંકવાદને કોઈ સ્થાન નથી. તમે બધા અહીં ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ અલગ ભાગોમાંથી પહોંચ્યા છો. અહીં આવવા માટે તમે કલાકોનો પ્રવાસ કર્યો છે, તેમ છતાં તમારા ચહેરા પર થાક દેખાતો નથી અને ચારે બાજુ ઉત્સાહ જ ઉત્સાહ છે. તમે અને આપણે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીશું.

વડાપ્રધાને કહ્યું કે, આજકાલના લોકો બંધારણ પોતાના ખીસ્સામાં રાખે છે. પરંતુ હકીકતમાં તેઓ આ દેખાડો પોતાના કાળા કરતૂતો છૂપાવવા માટે કરે છે. જમ્મુ-કાશ્મીરમાં બાળક પણ જાણે છે કે આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણનો આત્મા ખતમ કરી નાંખ્યો છે. અન્યથા શા માટે જમ્મુ-કાશ્મીરમાં બે બંધારણ ચાલતા હતા. શું અહીંના લોકોને એ અધિકાર નહોતો મળતો જે દેશમાં અન્ય ભાગના નાગરિકોને મળતા હતા? કયા કારણે આપણા પર્વતીય ભાઈ-બહેનો આટલા વર્ષોથી અનામતથી વંચિત રહ્યા. નેશનલ કોન્ફરન્સના અબ્દુલ્લા અને પીડીપીના મુફ્તી પરિવાર જમ્મુ-કાશ્મીરમાં એસસી-એસટી અને ઓબીસીનું નામ પણ નહોતા લેતા. તેમણે ઉમેર્યું કે, આટલી પેઢીઓ પસાર થયા પછી ભાજપ સરકારે તેમને અનામત આપ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, તમે યાદ હશે કે સાંજ પડતા જ અહીં અઘોષિત કરફ્યુ લાગી જતો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તે સમયે કોંગ્રેસની કેન્દ્ર સરકારના ગૃહમંત્રી પણ લાલ ચોક જવાથી ડરતા હતા. જોકે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. જે પથ્થર પહેલાં પોલીસ અને સૈન્ય પર ઉઠતા હતા, તે પથ્થરોથી નવું જમ્મુ-કાશ્મીર બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું કામ પણ ભાજપ સરકાર જ કરશે, પરંતુ તમારે એવા લોકોથી સાવધ રહેવું જોઈએ, જે પોતાના સ્વાર્થ માટે તમારા અધિકારો આંચકી લે છે.

વડાપ્રધાને કોંગ્રેસની ઝાટકણી કાઢતા અમેરિકામાં એક પત્રકારના અપમાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ મહોબ્બત કી દુકાન ચલાવવાનો દાવો કરે છે, પરંતુ આપણા દેશના એક પત્રકાર સાથે અમેરિકામાં કોંગ્રેસ દ્વારા ક્રૂરતા કરવામાં આવી. ભારતના એક પત્રકારનું અમેરિકામાં અપમાન કરાયું. કોંગ્રેસના કાર્યકરોએ તેની સાથે મારપીટ કરી.


Google NewsGoogle News