Get The App

જમ્મુ-કાશ્મીરમાંથી છ વર્ષે રાષ્ટ્રપતિ શાસનનો અંત, ઓમર અબ્દુલ્લાના કાલે સીએમ પદે શપથ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીરમાંથી છ વર્ષે રાષ્ટ્રપતિ શાસનનો અંત, ઓમર  અબ્દુલ્લાના કાલે સીએમ પદે શપથ 1 - image


- નેશનલ કોન્ફરન્સને કોંગ્રેસ, સીપીઆઇ(એમ), આપ, પાંચ અપક્ષ ધારાસભ્યોનો ટેકો

- ભાજપ વિપક્ષના નેતાની પસંદગી માટે ટૂંક સમયમાં બેઠક બોલાવશે : રવિન્દ્ર રૈના

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા માટે ૧૬ ઓક્ટોબરે આમંત્રણ આપ્યું છે. 

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યાના એક દિવસ પછી ઉપ રાજ્યપાલે ઓમર અબ્દુલ્લાને શપથ લેવા આમંત્રણ આપ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષથી લગાવવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે. 

ઓમર અબ્દુલ્લાને લખેલા પત્રમાં સિંહાએ જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડો. ફારૂક અબ્દુલ્લા તરફથી મળેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યોએ સર્વાનુમતે તેમના નેતા તરીકે તમારી પસંદગી કરી છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ વડા તારીક હમીદ, સીપીઆઇ(એમ) સેક્રેટરી જી એન મલીક, આપ નેશનલ સેક્રેટરી પંકજકુમાર ગુપ્તા,  અપક્ષ ધારાસભ્યો પ્યારેલાલ શર્મા, સતીશ શર્મા, મોહંમદ અકરમ, રામેશ્વર સિંહ અને મુઝફર ઇકબાલ ખાનના નેશનલ કોન્ફરન્સને સમર્થન આપતા પત્રો મળ્યા છે.

સિંહાએ આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરની સરકાર રચવા અને તેનું નેતૃત્ત્વ કરવા માટે તમને આમંત્રણ આપતા મને આનંદ થાય છે. 

ઓમર અબ્દુલ્લા અને તેમની કેબિનેટના પ્રધાનોને શપથ લેવા માટે ૧૬ ઓક્ટોબરે સવારે ૧૧.૩૦ વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. 

આ પત્ર મળ્યા પછી ઓમર અબ્દુલ્લાએ પણ એક્સ પર ઉપ રાજ્યપાલે આપેલ શપથ ગ્રહણ સમાંરભના પત્રની વિગતો શેર કરી હતી. 

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આ અગાઉ વિધાનસભા ચૂંટણી ૧૦ વર્ષ પહેલા ૨૦૧૪માં થઇ હતી. ચૂંટણી પછી ભાજપ અને પીડીપીએ ગઠબઁધન કરી સરકાર બનાવી હતી. ૨૦૧૮માં ભાજપે સમર્થન પરત લેતા સરકારનું પતન થયું હતું અને મહેબૂબા મુફતીએ સીએમ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલુ છે જેને ગઇકાલે હટાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News