Get The App

ઉત્તર પ્રદેશમાં ત્રણ ખાલિસ્તાની આતંકીના એન્કાઉન્ટર, હથિયારો જપ્ત

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં ત્રણ ખાલિસ્તાની આતંકીના એન્કાઉન્ટર, હથિયારો જપ્ત 1 - image


- સપ્તાહ પહેલા પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો

- ઉત્તર પ્રદેશમાં ફેક એન્કાઉન્ટર વધ્યા, ફાંસી આપો કે આજીવન કેદ પણ આ કામ કોર્ટનું છે સરકારનું નહીં : સપા નેતા

પીલીભીત : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ત્રણ ખાલિસ્તાની આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન આ એન્કાઉન્ટર થયું હતું. માર્યા ગયેલા ત્રણેય ખાલિસ્તાની કમાંડો ફોર્સ સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી એકે-૪૭ અને બે લ્ગોક પિસ્તોલ ઉપરાંત મોટા પ્રમાણમાં કારતૂસ મળી આવ્યા છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ખાલિસ્તાનીઓના નામ ગુરવિંદર (ઉં. ૨૫ વર્ષ), વિરેન્દ્ર (ઉં. ૨૩) અને જસપ્રીત (ઉં. ૧૮ વર્ષ) છે. આ ત્રણેય પર ૧૮ ડિસેમ્બરના રોજ ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કરવાનો આરોપ હતો. સોમવારે સવારે પીલીભીતમાં થયેલુ આ એન્કાઉન્ટર પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પાકિસ્તાની મોડયુલ સામે આ મોટી સફળતા છે. 

પોલીસ આ ત્રણેય આતંકીઓની શોધખોળ કરી રહી હતી, આ દરમિયાન પોલીસ પર તેમણે ગોળીબાર કરી દીધો હતો. બાદમાં જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા પણ ગોળીબાર થયો હતો. ડીજીપી યાદવે જણાવ્યું હતું કે ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર આ ત્રણેય આરોપીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલો ૧૮મી તારીખે થયો હતો, જેની જવાબદારી ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે લીધી હતી. હાલમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય આ સંગઠન સાથે જોડાયેલા હતા. પાકિસ્તાન દ્વારા આ ત્રણેયને મદદ મળી રહી હોવાનું પણ સામે આવ્યું છે. 

બીજી તરફ સમાજવાદી પાર્ટીના વરીષ્ઠ નેતા માતા પ્રસાદ પાંડેએ ઉત્તર પ્રદેશમાં થઇ રહેલા એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પીલીભીતમાં થયેલા આ ત્રણેયના એન્કાઉન્ટરને લઇને કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગીના રાજમાં યુપીમાં એન્કાઉન્ટર સામાન્ય વાત બની ગઇ છે. 

એન્કાઉન્ટર બે પ્રકારના હોય છે, એક એન્કાઉન્ટર આમને સામને થાય છે જેમાં પોલીસ અને જેનુ એન્કાઉન્ટર કરાયુ તે બન્ને ઘવાય છે. જોકે હાલમાં યુપીમાં ફેક એન્કાઉન્ટર વધી રહ્યા છે.


Google NewsGoogle News