મણિપુરમાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ
- 'ઇન્ડિયા'ના નેતાઓની વડાપ્રધાનને મણિપુર જવાની વિનંતી
- પશ્રિમ ઇમ્ફાલમાંથી પ્રતિબંધિત સંગઠનના ત્રણ સભ્યોની ધરપકડ : શસ્ત્રો બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પણ પર્દાફાશ
ઇમ્ફાલ : મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં સંરક્ષણ દળોની ઉગ્રવાદીઓ સાથે અથડામણ થઇ હતી તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે એક કલાક સુધી ચાલેલી અથડામણમાં કોઇ જાનહાનિ થઇ નથી.
અજાણ્યા બંદૂકધારીઓએ શાંતિખોંગબલ, યેનગાંગપોકપી યુવોક ચીંગ અને થામનાપોકપી યુવોક ચિંગ જેવા ગામોમાં ફાયરિંગ કર્યુ હતું. સુરક્ષા દળોએ તેમને હટાવવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસામાં ગયા વર્ષે મે મહિનાથી અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા છે.
આ દરમિયાન મણિપુર પોલીસે પશ્રિમ ઇમ્ફાલ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠનના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. ગેરકાયદે શસ્ત્રો રાખવા બદલ અને ખંડણી ઉઘરાવવા બદલ આ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી કાંગલેપક કોમ્યુનિસ્ટ પાર્ટી (પીપલ્સ વાર ગુ્રપ)ના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન હથિયાર બનાવવાની ગેરકાયદે ફેક્ટરી પણ શોધવામાં આવી હતી.
બીજી તરફ મણિપુરના ઇન્ડિયા બ્લોક સાથે સંકળાયેલા પક્ષોએ વડાપ્રધાનને મણિપુરની મુલાકાત લેવાની વિનંતી કરી છે. આ પક્ષોએ જણાવ્યું છે કે વડાપ્રધાન હસ્તક્ષેપ કરે અને રાજ્યની મુલાકાત લે તો શાંતિની સ્થાપના થઇ શકે તેમ છે.