30 નક્સલોના ઢીમ ઢાળી દેવાયા: છત્તીસગઢમાં વીર જવાનોએ ખાતમો બોલાવ્યો, હથિયારો જપ્ત
Naxalites Encounter in Chhattisgarh : છત્તીસગઢના નક્સલો પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલો વચ્ચે અથડામણ શરુ થઈ છે, ત્યારે એન્કાઉન્ટરમાં લગભગ 30 નક્સલોને ઠાર કર્યા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. પોલીસ અધિકારીઓ જણાવ્યું છે કે, નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલોની ઉપસ્થિતિની સૂચના મળતાની સાથે સુરક્ષાદળોના જવાનો નક્સલો વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે ઘટના સ્થળ પરથી AK-47 રાઈફલ સહિતના ઓટોમેટિક હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. હાલ પણ બંને વચ્ચે અથડામણ ચાલી રહી છે.
એન્કાઉન્ટરમાં 30 નક્સલો ઠાર
મળતી માહિતી પ્રમાણે, સુરક્ષાદળોને લગભગ એક વાગ્યાની આસપાસ નક્સલોની જાણકારી મળતાની સાથે ઘટના સ્થળે પહોંચ્યાં હતા, ત્યારે નક્સલોએ ગોળીબાર કરવાનું શરુ કર્યું હતું. જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. નક્સલો સાથે અથડામણમાં સુરક્ષાદળોના જવાનો સુરક્ષિત હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી છે.
અથડામણમાં નક્સલોના મોતનો આંકડો હજુ વધી શકે છે. હાલ પ્રભાવિત સમગ્ર વિસ્તારોમાં સર્ચિંગ ચાલી રહ્યું છે.
બસ્તર વિસ્તારમાંથી 171 માઓવાદીનો ખાતમો
બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક (IG)એ જણાવ્યું કે, નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર અબુઝહમદના થુલથુલી ગામના જંગલમાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં 30 નક્સલોને ઠાર કરી દીધા છે. જેમાં અત્યાર સુધીમાં 14ના મૃતદેહ મળ્યા છે. સુરક્ષાદળોમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના જવાનો સામેલ હતા. નારાયણપુર-દંતેવાડા જિલ્લા સહિત સાત જિલ્લામાંથી અત્યાર સુધીમાં 171 માઓવાદીને મારવામાં આવ્યા છે.