મહારાષ્ટ્ર: ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલો વચ્ચે અથડામણ, પાંચ ઠાર
Naxalites Attack in Gadchiroli : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ અથડામણ થઈ છે, જેમાં પાંચ નક્સલીઓ ઠાર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગઢચિરોલી નક્સલવાદીઓનું મોટું ગઢ છે. થોડા દિવસ પહેલા આઠ લાખના ઈનામી દંપત્તિએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આઠ લાખના ઈનામી દંપત્તિનું આત્મસમર્પણ
વાસ્તવમાં બે દિવસ પહેલા ગઢચિરોલી જિલ્લામાં આઠ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતું નક્સલવાદી દંપતી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દંપતીની ઓળખ 37 વર્ષિય અસિન રાજારામ કુમાર ઉર્ફે અનિલ અને તેની 28 વર્ષિય પત્ની અંજુ સુલ્યા જાલે ઉર્ફે સોનિયા તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે, અનિલ ઓડિશામાં માઓવાદીઓની પ્રેસ ટીમના એરિયા કમિટીનો સભ્ય હતો. હરિયાણાના નરવાના શહેર રહેવાસી અનિલ હિમાચલના શિમલા નજીકના વિસ્તારમાં નકલી ઓળખ સાથે રહેતો હતો.
અથડામણમાં પાંચ નક્સલી ઠાર
ત્યારબાદ પોલીસે સોમવારે ગઢચિરોલીમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી થયેલા ગોળીબારમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા છે. ગઢચિરોલીના એસપી નીલોત્પલે જણાવ્યું કે, કોપરશી જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. હાલ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે.