Get The App

છત્તીસગઢના કાંકેરમાં મતદાન પહેલા એન્કાઉન્ટર, ટોચના કમાન્ડર સહિત કુલ 18 નક્સલવાદી ઠાર

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
છત્તીસગઢના કાંકેરમાં મતદાન પહેલા એન્કાઉન્ટર, ટોચના કમાન્ડર સહિત કુલ 18 નક્સલવાદી ઠાર 1 - image


Chhattisgarh Encounter : લોકસભાની ચૂંટણી પહેલા છત્તીસગઢનાં કાંકેરમાં પોલીસ અને નક્સલવાદીઓ (Naxalite) વચ્ચે મોટી અથડામણ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અથડામણમાં પોલીસે 18 નક્સલવાદીઓને ઠાર કર્યા છે, જયારે ત્રણ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો પણ સામે આવી છે. હાલ છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પક્ષે સામ સામે ગોળીબાર ચાલી રહ્યો છે. ઘટનાસ્થળે સ્થિતિ વધુ વણસતા વધારાનો પોલીસ ફોર્સ પણ મોકલવામાં આવ્યો છે.

18 મૃતદેહો કબજે કરાયા, ઓટોમેટિક રાઈફલો જપ્ત

એસપી કલ્યાણ એલિસેલાએ કહ્યું કે, અથડામણમાં ટોચનો કમાન્ડર કમાન્ડર શંકર રાવ પણ ઠાર થયો છે. તેના પર 25 લાખનું ઈનામ હતું. અત્યાર સુધીમાં કુલ 18 મૃતદેહો કબજે કરાયા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઈફલો જપ્ત કરવામાં આવી હતી. છેલ્લા મળતા અહેવાલો મુજબ અથડામણમાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. 

નકસલીઓએ BSFની ટીમ પર જંગલમાં ગોળીબાર કર્યો

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, બીએસએફ અને જિલ્લા રિઝર્વ ગાર્ડની ટીમ નક્સલ વિરોધી અભિયાન હેઠળ જંગલ વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન નક્સલવાદીઓએ છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના પર આડેધળ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

રાજ્યના 14 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત

ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કુલ 14 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે, જેમાં બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલીનો સમાવેશ થાય છે. આંકડા મુજબ છેલ્લા ઘણા સમયથી છત્તીસગઢમાં નક્સલી હુમલા વધ્યા છે, જેના કારણે દર વર્ષે સરેરાશ 350થી વધુ હુમલાઓ અને 45 જવાનો શહીદ થાય છે.

એક વર્ષમાં 300થી વધુ નક્સલી હુમલા

ગત વર્ષે માર્ચમાં યોજાયેલા લોકસભા સત્રમાં ગૃહ મંત્રાલયે રિપોર્ટ આપ્યો હતો કે, છત્તીસગઢમાં 2022માં 305 નક્સલી હુમલા થયા હતા. તે પહેલા સરકારે સંસદમાં કહ્યું હતું કે, ફેબ્રુઆરી-2023 સુધીમાં (માત્ર બે મહિનામાં) છત્તીસગઢમાં નક્સલી હુમલામાં સાત જવાનો શહિદ થયા હતા. ડેટા મુજબ વર્ષ 2013થી 2022 દરમિયાન 10 વર્ષમાં છત્તીસગઢમાં ત્રણ હજાર 447 નક્સલી હુમલાઓ થયા છે, જેમાં કુલ 418 જવાનો શહિદ થયા છે. જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સલીઓને ઠાર કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન શરૂ થવાનું છે, જેમાં છત્તીસગઢના કાંકેરમાં 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થવાનું છે.


Google NewsGoogle News