યુવાનો માટે 66 હજાર રૂપિયા કમાવવાનો મોકો: મોદી સરકારની યોજના શરૂ, જાણો કઈ રીતે કરશો આવેદન
Employement to Youth: મોદી સરકાર દેશના બેરોજગાર યુવાનો માટે ઇન્ટર્નશિપ યોજના લાવી છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2024-25ના બજેટમાં પીએમ ઇન્ટર્નશિપ સ્કીમનું એલાન કર્યું હતું, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષોમાં આશરે એક કરોડ જેટલા યુવાનોને લાભ પહોંચાડવાનો છે. આ પ્રોગ્રામમાં ઇન્ટર્નને માસિક રૂ. પાંચ હજાર એટલે કે વાર્ષિક 60 હજાર રૂપિયા અને એક વર્ષ પૂર્ણ થયા બાદ વધરાના છ હજાર રૂપિયા આપવામાં આવશે. આમ કુલ 66 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે સત્તાવાર વેબસાઇટ ગુરુવારે (3 ઓક્ટોબર)થી શરૂ કરવામાં આવી છે.
ક્યારથી શરૂ થશે રજિસ્ટ્રેશન?
પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે 12 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ પાઇલટ પ્રોજેક્ટમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 25 ઓક્ટોબર સુધી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે.
ઉમેદવારો શોર્ટલિસ્ટ ક્યારે થશે?
આ યોજનાની ટેક્નોલોજી પાર્ટનર BISAG કંપની છે. કંપની 27 ઓક્ટોબરથી 7 નવેમ્બરની વચ્ચે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ પ્રોગ્રામની ઓફર પર અંતિમ નિર્ણય લઇ શકશે. આ પ્રોગ્રામ 2 ડિસેમ્બરથી એક વર્ષ માટે શરૂ થશે.
આ પણ વાંચોઃ SEBI ચીફ માધબી બુચ આપશે રાજીનામું? જાણો નવા ચેરપર્સનની યાદીમાં કોનું નામ સૌથી આગળ
ઇન્ટર્નશિપમાં કેટલા રૂપિયા મળશે?
આ યોજના હેઠળ દરેક ઇન્ટર્નને માસિક પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર તરફથી એક વર્ષ બાદ વધારાના છ હજાર રૂપિયા પણ આપવામાં આવશે. જેમાં પાંચ હજાર રૂપિયા માસિક ભથ્થામાં 10 ટકા એટલે કે 500 રૂપિયા કંપની પોતાના સીએસઆર ફંડમાંથી આપશે અને 4,500 રૂપિયા સરકાર પોતાની તરફથી આપશે. આમ દરેક ઇન્ટર્નને વાર્ષિક કુલ 66 હજાર રૂપિયા આપવામાં આવશે.
ક્યાં મળશે ઇન્ટર્નશિપ?
આ પાઇલટ પ્રોજેક્ટની વેલ્યુ 800 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. વિવિધ ક્ષેત્રીય ભાષાઓમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઉમેદવારને સંભવતઃ તેના જિલ્લામાં જ ઇન્ટર્નશિપ આપવામાં આવશે.
શું યોગ્યતા હોવી જોઇએ?
21 થી 24 વર્ષનો કોઇ પણ યુવાન, જેની પાસે ધોરણ 10ની માર્કશીટ અને સર્ટિફિકેટ છે, તે આ યોજના માટે આવેદન કરી શકે છે. જો કે, કોઇ પણ એવો વ્યક્તિ કે જેના પરિવારમાં કોઇ સભ્ય સરકારી નોકરી કરતો હોય અથવા જેના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ હોય કે તે પોતે કોઇ ફૂલ ટાઇમ જોબ કરતો હોય તે આ યોજના માટે આવેદન કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ ડિપોઝિટ ઉપાડી લો નહીંતર વ્યાજ તો નહીં મળે...' નેશનલ સેવિંગ સ્કીમ અંગે મોટા સમાચાર
કઇ રીતે કરશો આવેદન?
આ યોજનામાં આવેદન કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર પોર્ટલ પર ફોર્મ ભરવું પડશે. ત્યાં તમે પોતાની સ્કિલ અને ઇન્ટરસ્ટ અંગે પણ જાણકારી આપી શકો છે. તેના આધારે જ નક્કી થશે કે તમને ક્યાં ઇન્ટર્નશિપ આપી શકાય છે. અહેવાલ મુજબ, અત્યાર સુધી દેશની ટોપ 500 કંપનીઓમાંથી 111 કંપનીઓ આ યોજનામાં જોડાઇ ગઇ છે. સરકારે જણાવ્યું છે કે, આ યોજનામાં એસસી, એસટી અને ઓબીસી ઉમેદવારો માટે અનામત પોલિસીનું પાલન કરવામાં આવશે.