ઉત્તરપ્રદેશમાં સરકારી ઓફિસમાં જીન્સ પહેરીને આવતા કર્મચારીઓ પર તવાઈ, પગાર અટકાવાયો
- એટા જિલ્લામાં ફોર્મલ શર્ટ-પેન્ટ પહેરવા આદેશ
- કર્મચારીઓને નોટિસ પાઠવીને જવાબ માગવામાં આવ્યો, અગાઉ બરેલીમાં પણ આકરા આદેશ અપાયા હતા
Uttar Pradesh News | ઉત્તર પ્રદેશમાં સરકારી ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટેના ડ્રેસ કોડને લઇને આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા કપડા પહેરવાના બદલે જીન્સ પહેરીને ઓફિસ આવવા બદલ એટાના સીએમઓએ ડીપીએમ, મલેરિયા નિરિક્ષક અને લિપિકનો પગાર અટકાવી દીધો હતો. સાથે જ તમામ પાસેથી જવાબ પણ માગ્યો છે.
અહીંના ડાક બગલિયા સ્થિત મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી કાર્યાલયમાં સીએમઓ ડો. ઉમેશ કુમાર ત્રિપાઠીએ ડીપીએમ મોહમ્મદ આરિફ, મલેરિયા નિરીક્ષક ગજેન્દ્રસિંહ, લિપિક સલમાન ઝાફરીનો પગાર અટકાવી દીધો હતો. સાથે જ આ ત્રણેયને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું. સીએમઓએ જણાવ્યું હતું કે પ્રશાસને સરકારી કચેરીઓમાં આવવા માટે ચોક્કસ ડ્રેસ કોડ નક્કી કર્યો છે. આ અંગે અનેક વખત ટકોર અને ચેતવણી પણ જારી કરી ચુક્યા હતા. ફોર્મલ પેંટ શર્ટ નક્કી કરાયો હોવા છતા કર્મચારીઓ મનમાની પર ઉતરી આવ્યા છે.
વેશભૂષાનું પાલન ના કરાતા ત્રણ કર્મચારીઓનો પગાર અટકાવી દેવાતા આ સમાચાર અન્ય કર્મચારીઓમાં વાયુ વેગે ફેલાયા હતા. અને તેની ભારે ચર્ચાઓ થઇ હતી. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમોનું જે પણ ઉલ્લંઘન કરશે તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમો તમામ કર્મચારીઓ માટે છે તેથી તેનુ પાલન થવું જોઇએ. આ પહેલા યુપીના બરેલી જિલ્લાના પ્રશાસને પણ તમામ સરકારી કર્મચારીઓ માટે કાર્યાલયના કામ દરમિયાન જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. ઉત્તરાખંડ સરકારે પણ આ જ પ્રકારનો આદેશ અગાઉ જાહેર કર્યો હતો.