વિખ્યાત પુરાતત્વવિદ્ બ્રજબાસી લાલનું 101 વર્ષની વયે અવસાન
- રામમંદિરના પુરાતત્વીય પુરાવા તેમણે રજૂ કર્યા હતાં
- સાંસ્કૃતિક અને પુરાતત્વના ક્ષેત્રમાં તેમનું યોગદાન અવિસ્મરણીય : પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી : વિખ્યાત પુરાતત્વવિદ્ બ્રજબાસી લાલનું ૧૦૧ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે રામાયણ અને મહાભારતમાં ઉલ્લેખ હોય એવા સ્થળોનું ખોદકામ કરીને મહત્વપૂર્ણ દસ્તાવેજો એકઠાં કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
બી.બી. લાલના નામથી ઓળખાતા બ્રજબાસી લાલનું ભારતીય પુરાતત્વ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન છે. ૧૯૬૮થી ૧૯૭૨ દરમિયાન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા(એએસઆઈ)ના વડા રહેલા બી.બી. લાલે ભારતના પૌરાણિક સ્થળોના પુરાવા એકઠા કર્યા હતા.
રામમંદિરના પુરાતત્વીય પુરાવાં એકઠાં કરવાનો યશ તેમને મળે છે. વિવાદિત ઢાંચાની નીચે રામમંદિર છે, એ તેમણે સાબિત કર્યું હતું. એટલે જ તેમને હાઈકોર્ટમાં સાક્ષી બનાવાયા હતા.
૨જી મે, ૧૯૨૧માં ઝાંસીના બૈડોસા ગામમાં જન્મેલા બી. બી. લાલને ૨૦૦૦ના વર્ષમાં પહ્મભૂષણ એનાયત થયો હતો. ૨૦૨૧માં ભારત સરકારે તેમનું સન્માન પદ્મવિભૂષણથી કર્યું હતું. તેમના પુસ્તકો પુરાતત્વીય ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. અસંખ્ય સંશોધન પત્રો પણ પ્રકાશિત થયા હતા. યુનેસ્કોની સમિતિમાં પણ તેમણે સેવા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બી.બી. લાલના અવસાન પછી શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ ટ્વિટરમાં લખ્યંા હતું: તેઓ ઉમદા ઈનસાન હતા. સાંસ્કૃતિક અને પુરાતત્વના ક્ષેત્રમાં તેમનું યોગદાન અતુલનીય છે. તેમને હંમેશા એવા બૌદ્ધિક વ્યક્તિ તરીકે યાદ રખાશે, જેમનો આપણાં સમૃદ્ધ ભૂતકાળ સાથે ઘેરો સંબંધ હતો. વડાપ્રધાને બી.બી. લાલ સાથેની તેમની એક તસવીર પણ ટ્વિટરમાં શેર કરી હતી.