ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ ભારતમાં, માનવજીવન અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે આ કચરો

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
Electronics Waste

Image: Envato



E-Waste In India Increasing Day By Day: ‘યુનાઇટેડ નેશન્સ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ’ (Unctad) ના અહેવાલ અનુસાર વર્ષ 2010 થી લઈને 2022 સુધીમાં ‘સ્ક્રીન, કમ્પ્યુટર્સ અને નાના IT અને ટેલિકોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ’ (screens, computers, small IT and telecommunication equipment- SCSIT)માંથી ઇલેક્ટ્રોનિક કચરો ઉત્પન્ન કરવામાં ભારતે 163 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. અમેરિકા અને ચીન કરતાંય વધારે.

શું કહે છે અહેવાલ?

‘2024 ડિજિટલ ઇકોનોમી રિપોર્ટઃ શેપિંગ એન એન્વાયર્નમેન્ટલી સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ ડિજિટલ ફ્યુચર’ નામના અહેવાલમાં લખ્યું છે કે SCSIT કચરાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 2010માં 3.1 ટકા હતો જે વધીને 2022માં 6.4 ટકા થયો છે. રિપોર્ટ જણાવે છે કે એશિયામાં વિકાસશીલ દેશો જ આવો કચરો પેદા કરવામાં મોટો ભાગ ભજવે છે. કુલ કચરામાંનો અડધોઅડધ કચરો ચીન પેદા કરે છે. 

પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આ કચરો

ડિજિટલાઇઝેશન-સંબંધિત કચરામાં જોખમી સામગ્રી હોય છે. એમાં ઝેરી કહેવાય એવી ભારે ધાતુઓ (heavy metals) અને આર્સેનિક, કેડમિયમ, સીસું તથા પારો જેવા પદાર્થો હોય છે. ઉપરાંત કાર્બનિક પ્રદૂષકો તો ખરા જ. તેથી જો આવા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, એના પર યોગ્ય પ્રક્રિયા કર્યા વિના જ એને જળાશયોમાં ફેંકી દેવામાં આવે કે પછી જમીનમાં દાટી દેવાય તો એ પર્યાવરણને ભયંકર હદે પ્રદૂષિત કરે છે અને માનવ સ્વાસ્થ્ય માટે પણ જોખમી બને છે.

કચરો નિયંત્રિત કરવાની દિશામાં થઈ રહેલા પ્રયાસ

અહેવાલમાં એમ પણ લખ્યું છે કે, SCSIT કચરાના ઉત્પાદન બાબતે ભારત ગંભીર છે અને એને ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે, એ પ્રસંશનીય છે. ભારતમાં ચીજોના પેકેજિંગ બાબતે પણ જાગૃતિ આવી રહી છે અને વધુ ટકાઉ પરિવહન અને વિતરણ સેવા અમલમાં મૂકાઈ રહી છે. 

જેમ કે, એમેઝોન ઈન્ડિયાએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પગલાં લીધાં છે. વસ્તુઓ પેક કરવા માટે ‘બબલ રેપ’ અને ‘એર પિલો’ વાપરવાનું બંધ કરીને એણે ‘પેપર કુશન’ વાપરવાનું શરૂ કર્યું છે. એ જ પ્રમાણે ‘Zypp ઈલેક્ટ્રિક’ નામની કંપનીએ ભારતમાં માલસામાનની ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વાહનો ભાડે અને વેચાણથી પૂરા પાડવાનું શરૂ કર્યું છે, જેથી પ્રદૂષણ ઘટે. કંપનીએ શહેરી વિસ્તારોમાં ચાર્જિંગ નેટવર્ક ફેલાવવામાં પણ રોકાણ કર્યું છે. 

સતત વધી રહેલું ડિજિટલાઇઝેશન

અહેવાલમાં લખ્યું છે કે 2023માં વૈશ્વિક મોબાઇલ ડેટા ટ્રાફિકનો લગભગ એક તૃતીયાંશ ભાગ ઉત્તરપૂર્વ એશિયામાંથી આવ્યો હતો, જેમાં ભારતનો હિસ્સો મોટો છે. વર્ષ 2029 ના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે 5G સબ્સ્ક્રિપ્શન્સ 5 અબજનો આંકડો વટાવી જવાનો અંદાજ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે ઉત્તરપૂર્વ એશિયા, ખાસ કરીને ચીનને કારણે થશે. ભારતનો પણ એમાં મોટો ફાળો હશે. 

નોંધનીય છે કે, ઝડપથી વધતા ડિજિટલાઇઝેશને કારણે ડેટા સેન્ટર માર્કેટનું કદ 2024માં લગભગ 28 અબજ અમેરિકન ડોલરનું થઈ જવાનો અંદાજ છે. ડેટા સેન્ટરના વિકાસ (ડેવલપમેન્ટ)ના સંદર્ભે જોઈએ તો એમાં પણ એશિયામાં ચીન, ભારત અને સિંગાપોર સૌથી આગળ છે. સતત વધી રહેલું ડિજિટલાઇઝેશન આગામી સમયમાં વધુ ને વધુ ઇલેક્ટ્રોનિક કચરો પેદા કરવાનું કારણ બનશે. એટલે એને નાથવાના સહિયારા પ્રયાસ કરવા પણ જરૂરી બનશે. આધુનિકતા અને વિકાસની આંધળી દોડમાં એ શક્ય બનશે ખરું?


  ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં સૌથી ઝડપી વૃદ્ધિ ભારતમાં, માનવજીવન અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે આ કચરો 2 - image


Google NewsGoogle News