દિલ્હીમાં ભારે ગરમી, પાણીની અછત વચ્ચે હવે વીજળી સંકટ
- ઉ. પ્રદેશના નેશનલ પાવર ગ્રિડમાં આગથી દિલ્હીમાં વીજળી ખોરવાઇ : આતિશી
- સાંસદો ગુમ, દિલ્હીના લોકોના નાણાથી મોજ કરી રહેલા એલજી પાણી ન છોડનારા હરિયાણાનો બચાવ કરી રહ્યા છે : આપ
નવી દિલ્હી : દિલ્હી ગરમી અને પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે દિલ્હીના નાગરિકોની મુશ્કેલીમાં ફરી એક વધારો થયો છે. ઉત્તર પ્રદેશના મંડોલા સ્થિત પાવર ગ્રિડમાં આગ લાગતા દિલ્હીનો વીજળી સપ્લાય પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે દિલ્હીમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એવામાં રાજધાનીમાં ગરમી પણ વધી છે અને મંગળવારે તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું.
દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું હતું કે મંગળવારે બપોરે બે વાગ્યા બાદથી જ દિલ્હીના અનેક વિસ્તારોમાં વીજળી કાપ રહ્યો. દિલ્હીને ૧૫૦૦ મેગાવોટ વીજળી પુરી પાડતા ઉત્તર પ્રદેશના મંડોલાના આવેલા રાષ્ટ્રીય પાવર ગ્રિડમાં આગ લાગી હતી. જેને કારણે દિલ્હીના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વીજળી ટ્રાન્સમિશન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. હું નવા ઉર્જા મંત્રીને મળીને દિલ્હીની આ સમસ્યા અંગે રજુઆત કરીશ. સાથે જ દિલ્હીમાં જળસંકટની સ્થિતિ અંગે વાત કરતા આપના પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું હતું કે હીટવેવને કારણે દિલ્હીમાં પાણીની માગ વધી ગઇ છે. હિમાચલ પ્રદેશ સરકાર દિલ્હીને વધુ પાણી આપવા તૈયાર છે. જોકે હિમાચલથી આ પાણી હરિયાણા થઇને આવે છે.
આપના નેતાએ કહ્યું હતું કે હરિયાણા સરકાર યમુના નદીમાં પાણી નથી છોડી રહી, દિલ્હીમાં પાણીની ભારે અછત છે, જે વચ્ચે દિલ્હીના સાંસદો ક્યાં છે? ઉપરાજ્યપાલ વિકે સક્સેના હરિયાણાનો બચાવ કરી રહ્યા છે. દિલ્હીવાસીઓના પૈસા પર એલજી મોજ કરી રહ્યા છે અને હરિયાણા સરકારનો બચાવ કરી રહ્યા છે. દિલ્હીમાં અનેક વિસ્તારને નો વોટર ઝોન જાહેર કર્યા છે જ્યાં ટેંકરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે આતિશીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય પાવર ગ્રિડમાં મોટી અડચણ ચિંતાજનક છે. આ પ્રકારની ઘટના ફરી ના થાય તે માટે કેન્દ્રમાં નવા ઉર્જા મંત્રી અને પીજીસીઆઇએલના ચેરમેન સાથે બેઠક યોજીને રજુઆત કરવામાં આવશે. જ્યારે ઉત્તર પ્રદેશના અધિકારીએ દાવો કર્યો હતો કે આગ નથી લાગી પણ ગ્રિડમાં અન્ય સમસ્યા હતી જેનો ઉકેલ કરીને વીજળી સપ્લાય શરૂ કરી દેવાયો છે.