Get The App

ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા માટે SBIએ સમય મર્યાદા વધારવાની કરી માંગ, SCએ નક્કી કરી હતી ડેડલાઈન

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા માટે SBIએ સમય મર્યાદા વધારવાની કરી માંગ, SCએ નક્કી કરી હતી ડેડલાઈન 1 - image


Electoral Bonds : સુપ્રીમ કોર્ટે ચૂંટણી બૉન્ડ યોજનાને 'ગેરબંધારણીય' ગણાવતા રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બૉન્ડથી મળનારા ભંડોળ અંગે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેના માટે કોર્ટે 6 માર્ચ 2024 સુધીનો સમય બેંકને આપ્યો હતો. જેને લઈને હવે SBIએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને સમય મર્યાદા વધારવા માટે આગ્રહ કર્યો છે.

ભારતીય સ્ટેટ બેંકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચને ચૂંટણી બૉન્ડના સંબંધમાં માહિતી આપવા માટે 30 જૂન 2024 સુધી સમય વધારવાની માંગ કરી છે. પોતાની અરજીમાં એસબીઆઈએ કહ્યું કે, આ કોર્ટે પોતાના વચગાળાના આદેશની તારીખ 12 એપ્રિલ, 2019 થી નિર્ણયની તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધી દાન આપનાર દાતાની માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. તે સમય મર્યાદામાં 22217 ચૂંટણી બૉન્ડનો ઉપયોગ અલગ અલગ રાજકીય પક્ષોને દાન આપવા માટે કરાયો હતો.

એસબીઆઈએ વધુમાં કહ્યું કે, રિડીમ કરેલા બૉન્ડ પ્રત્યેક તબક્કાના અંતમાં અધિકૃત બ્રાન્ચ દ્વારા સીલબંધ કવરમાં મુંબઈ બ્રાન્ચમાં જમા કરાયા હતા. કુલ 44,434 સૂચના સેટોંને ડિકોડ, સંકલિત અને સરખામણી કરવી પડશે. એટલા માટે આ સન્માનપૂર્વક રજૂ કરવામાં આવે છે કે કોર્ટ દ્વારા પોતાની તારીખ 15 ફેબ્રુઆરી 2024ના નિર્ણયમાં નક્કી કરાયેલ તારીખમાં ત્રણ અઠવાડિયાની સમય મર્યાદા આખી પ્રોસેસને પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નહીં હોય. એટલા માટે એસબીઆઈને નિર્ણયનું પાલન કરવામાં સક્ષમ બનાવવા માટે આ માનનીય કોર્ટ દ્વારા સમય વધારવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

ચૂંટણી બોન્ડને ગેરકાયદે ગણાવી સુપ્રીમે રદ કર્યા હતા

થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે એક સિમાચિહ્નરૂપ ચૂકાદો આપતા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અનામી રાજકીય ભંડોળ મેળવવા માટેની ચૂંટણી બોન્ડની યોજનાને ગેરકાયદે ગણાવી તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપ્યો હતો અને નવા બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બોન્ડ બહાર પાડતી સરકારી બેન્ક એસબીઆઈને કોણે, કેટલા રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા અને આ બોન્ડ કોને મળ્યા તેની વિગતો જાહેર કરવા પણ આદેશ આપ્યો હતો. 

સુપ્રીમનું કહેવું છે કે જનતાને રાજકીય પક્ષોને મળતા દાનની માહિતી જાણવાનો અધિકાર છે. વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડની યોજના મુક્ત વાણી-સ્વાતંત્ર્ય અને માહિતી મેળવવાના બંધારણીય અધિકારનો ભંગ કરે છે તેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું. આ સાથે રાજકીય પક્ષોને મળતા દાનમાં કાળા નાણાંના દૂષણને ડામવા અને પારદર્શિતા લાવવા ચૂંટણી બોન્ડની યોજના રજૂ કરાઈ હોવાની કેન્દ્રની દલીલ બેન્ચે ફગાવી દીધી હતી. 

ચૂંટણી બોન્ડને ગેરકાયદે ઠરાવવાની સાથે સુપ્રીમ કોર્ટે આ બોન્ડ જારી કરવા માટે ઓથોરાઈઝ્ડ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને 12 એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં કયા લોકોએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે, કેટલા મૂલ્યના ખરીદ્યા છે તથા કયા પક્ષને આ બોન્ડ આપ્યા છે તેની વિગતો 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવા તથા ચૂંટણી પંચને આ માહિતી 13 માર્ચ સુધીમાં તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવા આદેશ આપ્યો છે. વધુમાં બેન્ચે એસબીઆઈને રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવેલા દરેક ચૂંટણી બોન્ડની વિગતો તેની વટાવવાની તારીખ અને ચૂંટણી બોન્ડના મૂલ્ય સહિતની વિગતો જાહેર કરવા આદેશ આપ્યો છે. ત્યારે હવ ઇલેક્ટોરલ બૉન્ડની માહિતી આપવા માટે એસબીઆઈએ 30 જૂન સુધીની સમય મર્યાદા માંગી છે.


Google NewsGoogle News