ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને મળે છે કરોડોનું દાન, જાણો ઈલેક્ટોરલ બોન્ડની શરતો અને ખરીદી-વેચાણની તમામ માહિતી
ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે, દરેક ચૂંટણી પહેલા આવા ચૂંટણી ફંડનો ભારે પ્રવાહ હોય છે
તમામ રાજકીય પક્ષોને કરોડોનું દાન મળે છે
Electoral Bonds: રાજકીય પક્ષોને મળતા ફંડ બાબતે હંમેશાથી વિવાદ રહ્યો છે. છેલ્લા અમુક વર્ષોથી નવી વ્યવસ્થા હેઠળ રાજકીય પક્ષોને ફંડ મળે છે. જેને ઈલેક્ટોરલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ મામલે લોકસભાની ચુંટણી પહેલા જ ફરી એકવાર હંગામો ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં તેની સુનવણી ચાલી રહી છે. આ બાબતે એ જાણીએ કે શું છે ઈલેક્ટોરલ બોન્ડ, ક્યાંથી ખરીદી શકાય છે અને કોને મળે છે?
ઈલેક્ટોરલ બોન્ડ શું છે?
સૌ પ્રથમ, જાણીએ કે ઈલેક્ટોરલ બોન્ડ શું છે. વાસ્તવમાં આ ચૂંટણી ફંડ આપવાની રીત છે. એટલે કે, જો તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હો, તો તમે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપી શકો છો. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે. બોન્ડ ખરીદ્યા પછી, તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે, બોન્ડ ઇશ્યૂ થયાની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય છે. એટલે કે 15 દિવસ પછી બોન્ડ રદ થઈ જશે.
તેને ક્યાંથી ખરીદી શકાય છે?
ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાય છે. જેમાં રૂ. 1,000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા કંપની ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે.
વેચાણ કેવી રીતે થાય છે?
ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે. એટલે કે જો તમે બોન્ડ ખરીદવા માંગતા હો, તો તમારે તેને SBI પાસેથી ખરીદવા પડશે. સૌથી નાનું બોન્ડ રૂ. 1,000 અને સૌથી મોટું રૂ. 1 કરોડનું છે. બોન્ડ ખરીદવાની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. ચૂંટણી દરમ્યાન ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ જબરદસ્ત વધી જાય છે અને રાજકીય પક્ષો માલામાલ બની જાય છે.
ફંડ મેળવવા માટે જરૂરી શરતો
હવે પ્રશ્ન થાય કે એવા ક્યાં રાજકીય પક્ષો છે જેને ચુંટણી ફંડ મળતું નથી. માત્ર એવા જ રાજકીય પક્ષોને ચુંટણી ફંડ આપવામાં આવે છે જેને ચુંટણી આયોગ દ્વારા માન્યતા મળી હોય એટલે કે પક્ષનું રજીસ્ટ્રેશન થયું હોય. આ સિવાય ચુંટણી ફંડ મેળવનાર પક્ષનો વોટ શેર લોકસભા કે વિધાનસભાની ચુંટણીમાં 1 ટકા કે તેથી વધુ હોવો જોઈએ.
ચુંટણી ફંડ બાબતે સરળ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં કોઈપણ વ્યક્તિ, સમૂહ કે કોર્પોરેટ કંપની તે ખરીદી શકે છે. રાજકીય પક્ષને બોન્ડ ઇસ્યુ થયાના 15 દિવસમાં જ તેને કેશ કરાવવાનો હોય છે. દરેક લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો, ખાસ કરીને સત્તામાં રહેલા પક્ષોને જંગી ફંડ મળે છે.
એવો દાવો કરવામાં આવે છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ અથવા તેને મેળવનાર રાજકીય પક્ષની માહિતી ક્યાંય શેર કરવામાં આવતી નથી. એટલે કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે. આ જ કારણ છે કે 2018થી ઈલેક્ટોરલ બોન્ડ વિવાદોમાં છે. સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્દેશ જારી કર્યા છે કે તમામ પક્ષોએ ચૂંટણી ફંડ અંગેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવી પડશે.