Get The App

સુપ્રીમકોર્ટે SBIનેે ખખડાવતાં અરજી ફગાવી, આવતીકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા આદેશ

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો હતો પ્રતિબંધ

'26 દિવસ વીતી ગયા, શું કર્યું અત્યાર સુધી..' ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના SBIને તીખાં સવાલ

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
સુપ્રીમકોર્ટે SBIનેે ખખડાવતાં અરજી ફગાવી, આવતીકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા આદેશ 1 - image


Supreame Court on Electoral Bond | ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી એકવાર આ મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવામાં આવે. હવે આ મામલે સુપ્રીમકોર્ટે એસબીઆઈને આવતીકાલે જ વિગતો જાહેર કરવા આદેશ કરી દીધો છે. એટલે કે દેશની સૌથી મોટી બેન્કે 12 તારીખે ચૂંટણી બોન્ડને લગતી તમામ વિગતો જાહેર કરવી પડશે. આ સાથે જ ચૂંટણીપંચને કહેવામાં આવ્યું કે 15 માર્ચ સુધી તે આ વિગતો વેબસાઈટ પર અપલોડ કરે. 

કવર ખોલો અને આપો વિગત... : સુપ્રીમકોર્ટ 

સુનાવણી દરમિયાન સીજેઆઈના નેતૃત્વ હેઠળની બેન્ચે એસબીઆઈ દ્વારા ચૂંટણી બોન્ડ અંગેના આંકડાઓ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને લઈને સવાલો ઊઠાવ્યા હતા. તેમણે એસબીઆઈ વતી હાજર વકીલ હરીશ સાલ્વેને કહ્યું હતું કે જો તમે કહી રહ્યા છો કે અમારી પાસે આ કવરમાં તમામ વિગતો છે કે કોણે ખરીદયા છે અને કઈ રાજકીય પાર્ટીએ તેને રોકડમાં વટાવ્યાં છે તો પછી વિગતો જાહેર કેમ નથી કરતાં? કવર ઓપન કરો અને વિગતો આપો. આ દરમિયાન એસબીઆઈએ ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો જેના પર સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તમે કવર ઓપન કરો અને ચૂંટણી પંચને વિગતો આપો જેથી સૌની સામે આવી શકે.  

સીજેઆઈએ એસબીઆઈને પૂછ્યાં તીખાં સવાલ 

સુનાવણી દરમિયાન એક સમયે સીજેઆઈએ એસબીઆઈના વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું હતું કે અગાઉ અમે આ મામલે 15 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી તમને વિગતો જાહેર કરવા નિર્દેશ આપી દીધો હતો. હવે આપણે 11 માર્ચે મળ્યાં છીએ. આ દરમિયાન 26 દિવસ વીતી જવાં છતાં એસબીઆઈ દ્વારા અમારા નિર્દેશો પર શું કાર્યવાહી કરવામાં આવી તે જવાબ આપશો? તમે કોઈ કાર્યવાહી નથી કરી. એસબીઆઈએ કોઓપરેટ કરવાની જરૂર છે. નિર્દેશોનું પાલન કરવામાં આવે અને વિગતો જાહેર કરવામાં આવે. સુપ્રીમકોર્ટે કહ્યું કે અમારો આદેશ સ્પષ્ટ હતો. આ એક ગંભીર મામલો છે. 

કોર્ટ કહે તો એસબીઆઈએ ફરજિયાતપણે વિગતો જાહેર કરવી પડે... : સુપ્રીમકોર્ટે 

સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે સમય માગતી એસબીઆઈ બેન્કનો ઉધડો લઈ નાખ્યો હતો. સુપ્રીમકોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે કલમ 7નો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે કોર્ટ દ્વારા એસબીઆઈને ચૂંટણી બોન્ડ ખરીદનારા અને તેને વટાવનારા રાજકીય પક્ષોની વિગતો જાહેર કરવાનું કહેવામાં આવે તો તેણે ફરજિયાતપણે આ વિગતો જાહેર કરવી જ પડે. 

હરીશ સાલ્વે શું બોલ્યાં? 

આ મામલે જ્યારે સીજેઆઈ બગડ્યાં તો એસબીઆઈ વતી હરીશ સાલ્વેએ કહ્યું કે સમસ્યા એ છે કે અમે કોઈ ભૂલ નથી કરવા માગતા. ઉતાવળે આંકડા જાહેર કરવામાં ભૂલ થવાની શક્યતા છે. જો ભૂલ થશે તો આખા દેશમાં હોબાળો મચી જશે જેને અમે ટાળવા માગીએ છીએ. જેના જવાબમાં જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તમારી પાસે કેવાયસી છે, તમે દેશની નંબર 1 બેન્ક છો. તમે તેને મેનેજ કરી લેશો તેવી અમને આશા છે. 

ઓડિશાના મંત્રીએ ચૂંટણી બોન્ડને દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું 

ઓડિશાના મંત્રી રાણેન્દ્ર પ્રતાપે કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજનાને સુપ્રીમકોર્ટ દ્વારા હવે રદ કરી દેવામાં આવી છે. આ દેશનું સૌથી મોટું કૌભાંડ છે. જ્યારે તેને લગતી વિગતો સામે આવશે તો આ દેશના ચૂંટણી ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ બની જશે. 

ચૂંટણી બોન્ડ પર મૂક્યો હતો પ્રતિબંધ 

સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ત્યારે સુપ્રીમકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા છીએ.

સુપ્રીમકોર્ટે એસબીઆઇને આપ્યો હતો આદેશ 

ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કર. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. એસબીઆઈએ 2019થી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા કહેવામાં આવ્યું છે. જોકે એસબીઆઈએ આ મામલે જૂન સુધીનો સમય માગતા આંકડા જાહેર નહોતા કર્યા. હવે આ મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઇ હતી. 

સુપ્રીમકોર્ટે SBIનેે ખખડાવતાં અરજી ફગાવી, આવતીકાલે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા આદેશ 2 - image



Google NewsGoogle News