'ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ..' નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિના દાવાથી હડકંપ
આ ચૂંટણીમાં ભાજપની લડાઈ વિપક્ષ કે પછી અન્ય સાથે નહીં થાય, પરંતુ આ મુદ્દાને કારણે ભાજપ અને ભારતના લોકો વચ્ચે અસલી લડાઈ થશે.
Lok Sabha Elections 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરીને પહેલા જ સનસનાટી મચાવી દીધી છે. હવે તેમના અર્થશાસ્ત્રી પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે કરેલા દાવાથી હડકંપ મચી ગયો છે. તેમણે કહ્યું છે કે, ‘ચૂંટણી બોન્ડ ફક્ત દેશનું જ નહીં પરંતુ આખી દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.’
હવે ભાજપ વિરુદ્ધ ભારતના નાગરિકો વચ્ચે લડાઈ થશે!
પ્રભાકરે કહ્યું છે કે, ‘મને લાગે છે કે ચૂંટણી બોન્ડનો મુદ્દો મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ ચૂંટણીમાં ભાજપની લડાઈ વિપક્ષ કે પછી અન્ય સાથે નહીં થાય, પરંતુ આ મુદ્દાને કારણે ભાજપ અને ભારતના લોકો વચ્ચે અસલી લડાઈ થશે.’
મોદી સરકારને કડક સજા કરશે મતદારો
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિએ આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત મામલો આજની તુલનાએ વધારે જોર પકડશે. હવે આ મામલો હવાની જેમ પ્રસરી રહ્યો છે. ધીમે ધીમે બધાને સમજાઈ રહ્યું છે કે આ ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. એવામાં મને લાગે છે કે આ મુદ્દાને લીધે કેન્દ્રની મોદી સરકારને મતદારો તરફથી આકરી સજા ફટકારાશે.’
કોણ છે નિર્મલા સીતારમણના પતિ...
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર એક જાણીતા અર્થશાસ્ત્રી છે. તે 2014થી 2018 આંધ્રપ્રદેશ સરકારને સેવા આપી ચૂક્યા છે. તે કમ્યુનિકેશન એડવાઈઝર પણ રહ્યા છે. આંધ્રપ્રદેશના પ. ગોદાવરી જિલ્લાના નરસાપુરમમાં બે જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા પરકલા પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં 1991માં ભણેલા છે. આ ઉપરાંત તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે.