Get The App

ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર ડીએમકેનો કટાક્ષ

નાણામંત્રી કારણ વગરનું બહાનું બનાવીને ચૂંટણી લડવાથી ભાગી રહ્યા હોવાનો દાવો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર ડીએમકેનો કટાક્ષ 1 - image


Satire on Nirmala Sitharaman by DMK: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. હવે આ અંગે તમિલનાડુની સત્તારુઢ પાર્ટી ડીએમકેના પ્રવક્તા એસ. અન્નાદુરઈએ કહ્યું કે, ‘મને લાગે છે કે નાણામંત્રી કારણ વગરનું બહાનું બનાવીને ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે. ચૂંટણી લડવા માટે તમારે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે જે તેમની પાસે નથી.’ 

આંધ્રપ્રદેશ કે તમિલનાડુમાંથી લડવાનો વિકલ્પ હતો

નાણામંત્રી નિર્મલા સીતારમણ તમિલનાડુના રહેવાસી છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. એવી ચર્ચા હતી કે, રાજ્યની કોઈ સીટ પરથી ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. હવે આ અટકળોનો નિર્મલા સીતારમણે ખુદ અંત લાવતા કહ્યું કે, ‘હું લોકસભા ચૂંટણી નહીં લડું કારણ કે, મારી પાસે પૈસા નથી.’ આ અંગે ડીએમકેએ કહ્યું કે, ‘નાણામંત્રીને ખબર છે કે, લોકો તેમનાથી નારાજ છે. આવી સ્થિતિમાં તેઓ પોતે જ ચૂંટણીથી પીછેહઠ કરી રહ્યા છે. તેમને ખબર પડી ગઈ છે. તેમણે જે રીતે નીતિઓ લાગુ કરી અને મુદ્દા પર વાત કરી છે તેનાથી જનતા નારાજ છે. તેમને આ બાબતની જાણ થઈ ગઈ છે અને કદાચ એટલે જે તેઓ ચૂંટણીથી પીછેહઠ કરી રહ્યા છે.’

એટલું જ નહીં, ડીએમકે નેતાએ કહ્યું કે, ‘નાણા મંત્રી પાર્ટીના પૈસાથી કેમ ચૂંટણી નથી લડતા? ભાજપે તો મોટા પાયે વસૂલી કરી છે. ભાજપ પાસે 6000 કરોડ રૂપિયા છે. તેમણે 8250 કરોડ વસૂલ્યા હતા જેમાંથી 6000 કરોડ હજુ પણ ખાતામાં છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તો કેબિનેટમાં ટોપ મંત્રીઓમાંથી એક છે. તો પછી ભાજપ તેમને સ્પોન્સર કેમ નથી કરી લેતી?’ 

ચૂંટણી નહીં લડવા અંગે શું કહ્યું નિર્મલા સીતારમણે?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'જરૂરી ફંડ' નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હું ખૂબ આભારી છું કે ભાજપના નેતૃત્વએ મારી અરજી સ્વીકારી... તેથી જ હું ચૂંટણી લડી રહી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી? તો તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી. મારો પગાર, મારી કમાણી અને મારી બચત મારી છે, ભારતનો કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. 


Google NewsGoogle News