ભારતમાં રાજકીય પક્ષો માટે મહિલાઓ છે ટ્રમ્પ કાર્ડઃ દિલ્હી, હિમાચલ, મધ્ય પ્રદેશથી લઈને કર્ણાટક સુધી રોકડા આપતી યોજનાઓની કહાની
ચૂંટણીઓમાં મહિલા મતદારોને આકર્ષવા ભાજપ-ટીએમસી સહિત તમામ પક્ષોના પ્રયાસ
10 રાજ્યો, 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણીઓમાં મતદાન કરવા પુરુષો કરતા મહિલાઓ આગળ
Lok Sabha Elections 2024 : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ગત વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓ વચન આપ્યું હતું કે, તેઓ દરેક પરિવારની મહિલા મોભીને 500થી 1000 રૂપિયા આપશે. આ વચન બાદ મમતાની પાર્ટીએ મોટી જીત સાથે બંગાળમાં ત્રીજી વખત સરકાર બનાવી. મમતા સરકારે 2021માં જ ‘લક્ષ્મી ભંડાર યોજના (Laxmi Bhandar Scheme)’ લાગુ કરી દીધી હતી અને સામાન્ય વર્ગની મહિલાઓને દર મહિને 500 રૂપિયા અને SC-ST વર્ગની મહિલાઓને 1000 રૂપિયા આપવાનું શરૂ પણ કરી દીધું હતું. આ યોજનાથી મહિલાઓને સીધો જ રોકડનો લાભ (Mahila Cash Benifit Scheme) આપવાનીની શરૂઆત થઈ હતી.
મહિલા મતદારોને આકર્ષવા મમતાના પગલે ચાલ્યા AAP, કોંગ્રેસ અને ભાજપ
ત્યારબાદ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને કોંગ્રેસ (Congress) મમતા સરકારના પગલે ચાલ્યા અને ચૂંટણીઓમાં આવી યોજનાનો લાભ ઉઠાવ્યો. આપ પંજાબ (Punjab)માં આવી લઈને આવી, તો કોંગ્રેસે હિમાચલ પ્રદેશ (Himachal) અને કર્ણાટક (Karnataka)ની ચૂંટણીમાં આવી યોજના લાવી અને બંને સફળ પણ થયા.. જોકે આવી યોજનાનો સૌથી મોટો લાભ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં ઉઠાવ્યો. ચૌહાણે રાજ્યમાં સત્તા સંભાળતા જ મહિલા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી લાડલી લક્ષ્મી જેવી યોજનાઓ લઈને આવ્યા. શિવરાજે એવું બતાવ્યું કે, કેવી રીતે આવી યોજનાઓ લાગુ કરી શકાય અને તેનાથી ચૂંટણી પર શું અસર થઈ શકે છે?
મધ્યપ્રદેશમાં ગેમચેન્જર બની ‘લાડલી બેહના યોજના’
તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજે માર્ચ-2023માં લાડલી બેહના નામથી યોજના (Ladli Behna Scheme) શરૂ કરી. પછી તેમણે યોજના હેઠળ 21 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તા રૂપે 10 જૂને એક હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા. મધ્યપ્રદેશમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) યોજાઈ હતી, જેમાં ચૌહાણની લાડલી બહેના યોજનાની અસર હેઠળ BJPએ રાજ્યની 230 બેઠકોમાંથી 163 બેઠકો પર જીત મેળવી. ત્યારબાદ આ યોજનાને ગેમચેન્જર માનવામાં આવી. સરવે રિપોર્ટ મુજબ મહિલા મતોના કારણે ભાજપ અને કોંગ્રેસને મળેલા કુલ મતોમાં મોટું અંતર જોવા મળ્યું.
મહિલા મતદારોને ભાજપની સાઈલેન્ટ વોટર
ભાજપે છત્તીસગઢની ચૂંટણીમાં પણ મહિલાઓને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું અને પાર્ટી સત્તા મેળવવામાં સફળ થઈ. મહિલા મતદારો (Woman Voter)ને ભાજપની સાઈલેન્ટ વોટર માનવામાં આવે છે. ભાજપે રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ, છત્તીસગઢ (Chhattisgarh)ની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મહિલાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નારી શક્તિ નક્કી કરીને નિકળી છે કે, ભાજપનો ઝંડો લહેરાવીશું. આ ચૂંટણીમાં મહિલાઓ અને બહેન-દિકરીઓએ ભાજપને ખૂબ આશીર્વાદ આપ્યા છે.
કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું, પણ પુરુ ન કર્યું
વર્ષ 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) એક વચન આપ્યું હતું. તેમણે રાજ્યમાં સરકાર બન્યા બાદ 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ અને અપરિણીત યુવતીઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ પંજાબની 117 બેઠકોમાંથી 92 બેઠકો પર જીત મેળવી હતી અને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો. જોકે રાજ્યમાં ભગવંત માન (Bhagwant Mann) સરકારને બે વર્ષ થવા છતાં હજુ સુધી કેજરીવાલની ગેરન્ટી ક્યાંય દેખાતી નથી.
લોકસભા ચૂંટણી પહેલા આપ સરકારની નવી યોજનાની જાહેરાત
પંજાબમાં બે વર્ષ બાદ પણ કેજરીવાલની ગેરંટની ન દેખાતા વિપક્ષો આપ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે કેજરીવાલ સરકારે લોકસભા ચૂંટણી પહેલા ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના (Mukhyamantri Mahila Samman Yojana)’ લાગુ કરવાની જાહેરાત કરી છે. દિલ્હીના નાણાંમંત્રી આતિશી (Atishi Marlena)એ બજેટ ભાજપમાં આ યોજનાનો ઉલ્લેખ કરી 2000 કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અપાશે.
કોંગ્રેસ પણ હિમાચલ-કર્ણાટકમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ થઈ
કોંગ્રેસની હિમાચલ સરકારે પણ ‘ઈન્દિરા ગાંધી પ્યારી બહેના યોજના (Indira Gandhi Pyari Behena Yojana)’ શરૂ કરવાની અને યોજના હેઠળ એક એપ્રિલથી મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુક્ખૂ (CM Sukhvinder Singh Sukhu)એ જાહેરાત કરી છે કે, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને યુવતિઓને દર મહિને 1500 રૂપિયા અપાશે. કોંગ્રેસે હિમાચલ બાદ કર્ણાટકની ચૂંટણીમાં મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ યોજનાને સિદ્ધારમૈયા સરકારે (CM Siddaramaiah) લાગુ પણ કરી દીધી છે. જોકે હિમાચલમાં આ વચન અધુરુ હતું.
હિમાચલમાં ‘પ્યારી બહેના યોજના’ સુક્ખુ સરકારને બચાવશે?
રાજકીય દ્રષ્ટિએ હિમાચલ હંમેશામાં ચર્ચામાં રહ્યું છે. હિમાચલમાં તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્ર સિંઘના પૂત્ર અને કોંગ્રેસના સાંસદ વિક્રમાદિત્ય સિંહે પણ બળવાખોરી દર્શાવી ચૂંટણીમાં વચનો પૂરા ન કરવા મામલે મુખ્યમંત્રી સરકાર પર પ્રહારો કર્યા હતા.
10 રાજ્યો, 5 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષો કરતા મહિલાઓનું વધુ મતદાન
એકતરફ રાજ્યમાં રાજકીય ઘટનાઓની ઉથલ-પાથલ ચાલી રહી છે, તો બીજીતરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને વિક્રમાદિત્યના બળવાખોર ધારાસભ્યના જૂથના કારણે સુક્ખૂ સરકારના માથે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં હિમાચલ સરકારની ‘ઈન્દિરા ગાંધી પ્યારી બહેના યોજના’ને સરકારની ખરડાયેલી ઈમેજ સુધારવા તરીકે જોવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 2019માં યોજાયેલી ચૂંટણીમાં પુરુષો કરતા મહિલાઓ વધુ મતદાન કર્યું હતું, તેથી કોંગ્રેસ આ બાબતનો પણ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. હિમાચલ, બિહાર અને ઓડિશા સહિત 10 રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું છે અને આ રાજ્યોમાં મહિલા મતદારોને આકર્ષવાના પ્રયાસો પણ સફળ થયા છે.
મહિલા મતદારોને આકર્ષવા ભાજપ સહિત તમામ પક્ષોના પ્રયાસ
મહિલા મતદારોને આકર્ષણવામાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, પંજાબમાં આમ આદમી પાર્ટી, હિમાચલ અને કર્ણાટકમાં કોંગ્રેસ, તો મધ્યપ્રદેશમાં ભાજપ સફળ થઈ છે. તો ભાજપ પણ મહિલા મતદારોને આકર્ષણવા મહિલા આરક્ષણ બિલ, ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન અને જનધન ખાતા જેવી યોજનાઓને સહારો લઈ રહી છે. મોટાભાગના પક્ષો મહિલાઓને સીધો જ રોકડનો લાભ મળે તેવી યોજનાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
2019ની ચૂંટણીમાં કોંગ્રેસે આપેલું વચન પણ નિષ્ફળ ગયું
અગાઉ કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં ન્યાય યોજનાનું વચન આપ્યું હતું. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સત્તામાં આવ્યા બાદ 20 ટકા અત્યંત ગરીબ પરિવારોને દર મહિને 12000 રૂપિયા આપવાની વાત કહી હતી. જોકે કોંગ્રેસનો આ દાવ નિષ્ફળ ગયો હતો. ત્યારે હવે લોકસભાની ચૂંટણી સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે મહિલાઓને સીધો જ રોકડ લાભ આપતી યોજનાઓનો મતદારો પર કેટલો પ્રભાવ પડે છે, તે તો ચૂંટણી પરિણામોથી જ ખબર પડશે.