ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે શરૂ કર્યો પોતાનો રાજકીય પક્ષ, નામ રાખ્યું જન સુરાજ પાર્ટી
Image: Facebook
Prashant Kishor Started his Own Political Party: ચૂંટણી વ્યૂહનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે ઔપચારિક રીતે પોતાનો રાજકીય પક્ષ શરૂ કર્યો છે. પ્રશાંત કિશોરે પોતાની પાર્ટીનું નામ 'જન સુરાજ પાર્ટી' રાખ્યું છે. આ સાથે જ બિહારના રાજકારણમાં એક નવી પાર્ટીનો ઉદય થઈ ગયો છે. બિહારમાં 2025માં થનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટી તાલ ઠોકશે.
પાર્ટીને લોન્ચ કરતી વખતે પ્રશાંત કિશોરે કહ્યું, 'જન સુરાજ અભિયાન 2-3 વર્ષોથી ચાલી રહ્યું છે. લોકો પૂછી રહ્યાં છે કે અમે પાર્ટી ક્યારે બનાવીશું. આપણે સૌ એ ભગવાનનો આભાર માનવો જોઈએ, આજે ચૂંટણી પંચે સત્તાવાર રીતે જન સુરાજને જન સુરાજ પાર્ટી તરીકે સ્વીકાર કરી લીધો છે.'
પ્રશાંત કિશોરે પોતાની પાર્ટીને લોન્ચ કર્યા બાદ મનોજ ભારતીને તેના કાર્યકારી અધ્યક્ષ નિમણૂક કર્યા છે. મનોજ ભારતી ભારતીય વિદેશ સેવાના અધિકારી રહ્યાં છે. મનોજ ભારતી ચાર દેશોમાં ભારતના રાજદૂત રહ્યાં છે. વિમાન આઈસી 814 ને હાઈજેક કર્યા સમયે કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસમાં ભારતીની પોસ્ટિંગ હતી.
તમામ બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું
પ્રશાંત કિશોરે ચૂંટણી વ્યૂહનીતિકાર તરીકે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મુખ્ય દળો માટે અલગ-અલગ સમયે કામ કર્યું અને પછી પોતાના ગૃહ રાજ્ય બિહારમાં જન સુરાજ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પ્રશાંત કિશોરે થોડા સમય પહેલા જ એલાન કરી દીધું હતું કે તે 2 ઓક્ટોબરે પોતાની પાર્ટી બનાવશે. સાથે જ કહ્યું હતું કે તેમની પાર્ટી બિહારની વિધાનસભા ચૂંટણી મજબૂતી સાથે લડશે. તેમણે બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ચૂંટણીનું એલાન કર્યું હતું.