જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ ગઠબંધનની સરકારને બહુમતી, PDPના સૂપડાં સાફ, જાણો ભાજપને કેટલી મળી બેઠક
Election Results 2024 : જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભાના પરિણામોની શરૂઆત થઈ ચૂકી છે. NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છે, ત્યારે, જમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, બીજી તરફ ભાજપે 29 બેઠકો પર જીત મેળવી છે.
LIVE UPDATES
જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ અધ્યક્ષનું મોટું નિવેદન
જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરાએ કહ્યું, "હું ગણતરીના વલણોથી ખૂબ જ ખુશ છું. હું કહી રહ્યો છું કે અમે 50 થી વધુ બેઠકો જીતીશું. અમે એક સ્થિર અને સર્વસમાવેશક સરકાર ઇચ્છીએ છીએ, જેના દ્વારા વધુ મજબૂત રીતે આગળ વધી શકીએ, કોઈપણ વ્યક્તિ અથવા રાજકીય પક્ષ જે ભાજપને સત્તાના કોરિડોરથી દૂર રાખવાની તરફેણમાં હોય. ગઠબંધનનું હાર્દિક સ્વાગત છે.'
હું લોકોનો નિર્ણય સ્વીકારું છું: ઈલ્તિજા મુફ્તી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ઉમેદવાર ઈલ્તિજા મુફ્તીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હું લોકોનો નિર્ણય સ્વીકારું છું.' ચૂંટણી પંચના તાજેતરના આંકડા મુજબ, તે શ્રીગુફવારા-બિજબેહરા વિધાનસભા બેઠક પરથી પાછળ ચાલી રહી છે.
'લોકો જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું'
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણો ચોંકાવનારા છે. ભાજપે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો, પરંતુ તે નિર્ણય લાભદાયી જણાતો નથી. જમ્મુ-કાશ્મીર ભાજપના સહ-પ્રભારી આશિષ સૂદ મત ગણતરીના અંદાજો જોયા બાદ જણાવ્યું કે, 'લોકો જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું, પરંતુ અત્યારે કંઈપણ કહેવું મુસ્કેલ છે.'
પીડીપીને ભારે નુકસાન
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. પીડીપીને ભારે નુકસાન થઈ રહ્યું છે.
શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપ આગળ
ઉરી વિધાનસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શફી આગળ ચાલી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપના બલદેવ રાજ શર્મા આગળ ચાલી રહ્યા છે. ત્રાલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરિન્દર સિંહ આગળ છે.
જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.
'PM મોદીને પણ જલેબી મોકલીશું'
કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'
બંને સીટો પર ઓમર અબ્દુલ્લા આગળ છે
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લા પ્રારંભિક વલણોમાં બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. તેઓ બડગામ અને ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસે ઉજવણી શરૂ કરી
એક તરફ જ્યાં મતગણતરી શરૂ જ થઈ હતી ત્યાં દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીતની આશા સાથે ઉજવણી શરૂ કરી હતી.
ભાજપ નેતાએ કર્યો હવન
જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ મતગણતરીના દિવસે અષ્ટભવાની મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.
સૌ કોઈને શુભકામના: અબ્દુલ્લા
મતગણતરી પર NC નેતા ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું, કે 'અમે સારી લડત આપી, એવા જ પરિણામ આવશે.'