'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે', વડાપ્રધાન મોદીનું જીત બાદ સંબોધન
આજની જીત અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. આજની જીત સુશાસનની જીત : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપને ખુબ મોટી જીત મળીઃ નડ્ડા
Election Results 2023 : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. ત્યારે ભાજપ વિજયોત્સવ મનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથ સિંહ ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ભાજપ હેડક્વાર્ટર પહોંચેલા નરેન્દ્ર મોદીનું કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની જીત અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. આજની જીત સુશાસનની જીત છે. વંચિતોના વિશ્વાસની જીત છે. સબકા સાથ, સબકા વિકાસની ભાવનાની જીત થઈ છે. વિકસિત ભારતના અવાજની જીત થઈ છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પની જીત થઈ છે. આજે તમામ ગરીબ કહી રહ્યા છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ વંચિતના મનમાં ભાવના છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ ખેડૂતો વિચારી રહ્યા છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ આદિવાસી ભાઈ-બહેન એ વિચારે છે કે, તેઓ ખુદ જીત્યા છે.
આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ખુબ પ્રયાસ થયા, પરંતુ હું સતત કહી રહ્યો હતો કે, મારા માટે દેશમાં ચાર જાતિઓ જ સૌથી મોટી જાતિઓ છે. જ્યારે હું આ ચાર જાતિઓની વાત કરું છું ત્યારે આપણી નારી, યુવાન, ખેડૂત અને ગરીબ પરિવાર આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થવાનો છે.
ભાજપ જ યુવાનોની આકાક્ષાઓ સમજે છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના યુવાનોમાં ભરોસો સતત વધી રહ્યો છે, ભાજપ જ તેમની આકાક્ષાઓ સમજે છે, તેમના માટે કામ કરે છે. દેશનો યુવા એ જાણે છે કે, ભાજપની સરકાર યુવાનોનું હિત ઈચ્છે છે, યુવાનો માટે નવા અવસરો બનાવનારી છે.
આજની હેટ્રિકે 2024ની ગેરેન્ટી પણ આપી દીધી છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા છે કે, આજની આ હેટ્રિકે 2024ની હેટ્રિકની ગેરેન્ટી પણ આપી દીધી છે. અહીં વડાપ્રધાન મોદીનો ઈસારો સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનવા પર હતો. જો 2024માં પાર્ટી જીતે છે તો કેન્દ્રમાં આ ભાજપની હેટ્રિક જ હશે.
વડાપ્રધાન મોદીએ નડ્ડાના કર્યા વખાણ
વડાપ્રધાન કહ્યું કે, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી જે પ્રકારે પોતાની નીતિ-રણનીતિને અમલમાં લાવે છે, તે વિજય તેનું પરિણામ છે. ચૂંટણી દરમિયાન તેમના પરિવારમાં દુઃખદ ઘટના બની, પરંતુ તેમ છતા નડ્ડાજી ભાજપ કાર્યકર્તા તરીકે દિવસ-રાત દોડતા રહ્યા.
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપને ખુબ મોટી જીત મળીઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પર પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, વડાપ્રધાન મોદીની આગેવાનીમાં પાર્ટીને ખુબ મોટી જીત મળી છે. ભાજપ જ્યારે પણ કોઈ ચૂંટણી લડે છે, ભલે રાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા નેતૃત્વને સંભાળ્યું છે અને તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે.
નડ્ડાએ વધુમાં કહ્યું કે, પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશને ખબર પડી ગઈ છે કે, કોઈ ગામને મજબૂતી આપી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે. આ પરિણામોએ સંદેશ આપ્યો છે કે, ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, જનજાતિને કોઈ સન્માન અપાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી છે.