ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા 25માંથી 20 પક્ષપલટુ જ હાર્યા, કોંગ્રેસને પણ પડ્યો ફટકો
Lok Sabha Eletions Result 2024: 2024ની ચૂંટણી પહેલા દરેક નેતા ભાજપમાં જો ટિકિટ મળી જાય તો તેને જીતની ગેરંટી માનતા હતા. જેથી ઘણાં મોટા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પરંતુ આવી રીતે પક્ષપલટો કરીને ભાજપમાં ટિકિટ મેળવનાર 25 નેતામાંથી 20 નેતા આ ચૂંટણીમાં હારી ગયા. તેમજ ભાજપમાં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓની હાલત પણ આવી જ છે. કોંગ્રેસની ટિકિટ મેળવનાર 6માંથી 5 નેતાઓ ચૂંટણી હારી ગયા.
પંજાબની સ્થિતિ
પંજાબમાં આ વખતે કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહના પત્ની પ્રનીત કૌરે પંજાબની પટિયાલા બેઠક પરથી ચૂંટણી લડી હતી પણ તેમની હાર થઇ હતી. અમરિન્દર સિંહના કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ પણ ભાજપમાં જોડાયા હતા. તેમજ પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર રવનીત સિંહ બિટ્ટુ પણ લુધિયાણા બેઠક પરથી હારી ગયા. તેઓ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી છોડીને જલંધર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા સુશીલ કુમાર રિંકુને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
હરિયાણા અને રાજસ્થાનમાં પણ આવું જ થયું
હરિયાણામાં કોંગ્રેસ છોડીને આવેલા અશોક તંવર અને રણજીત સિંહ ચૌટાલાને હારનો સામનો કરવો પડ્યો હતો. અશોક તંવર સિરસાથી ચૂંટણી હારી ગયા જ્યારે રણજીત સિંહ હિસારથી ચૂંટણી હારી ગયા છે.
રાજસ્થાનમાં પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મહેન્દ્રજીત સિંહ માલવિયા અને ડૉ. જ્યોતિ મિર્ધા ચૂંટણી જીતી શક્યા ન હતા. રાજસ્થાનના બાંસવાડાથી મહેન્દ્રજીત સિંહ માલવિયા હારી ગયા જ્યારે નાગૌર બેઠક પરથી ડૉ. જ્યોતિ મિર્ધા હારી ગયા.
બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પણ હાર
તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા તાપસ રોય કોલકાતા ઉત્તર બેઠક પરથી હારી ગયા. અર્જુન સિંહ પણ બેરકપુર બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. એ જ રીતે કોંગ્રેસ છોડીને આવેલા સુરેશ બોરા આસામના નાગાંવથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા. સી. રઘુનાથ પણ કેરળની કન્નુર બેઠક પરથી હારી ગયા છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશમાં બસપામાંથી ભાજપમાં જોડાયેલા રિતેશ પાંડે આંબેડકર નગર બેઠક પરથી હારી ગયા.
તેલંગાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં સ્થિતિ
તેલંગાણામાં ભાજપે કેસીઆરના ઘણાં નેતાઓને ટિકિટ આપી હતી, પરંતુ તે બધા હારી ગયા. જેમાં બી. બી. પાટીલ ઝહિરાબાદ બેઠક પરથી તો ભરત પ્રસાદ પોથુગંતી નાગરકુરનુલ બેઠક પરથી હારી ગયા. મહબૂબાબાદથી સીતારામ નાઈકની પણ હાર થઈ છે. સૈદી રેડ્ડી નાલગોંડા બેઠક પરથી હારી ગયા, તો અરુરી રમેશ વારંગલ બેઠક પરથી હારી ગયા.
ઝારખંડમાં જેએમએમ છોડીને ભાજપની ટિકિટ પર દુમકાથી ચૂંટણી લડનાર સીતા સોરેન પણ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના ગીતા કોડા સિંહભૂમથી હાર્યા છે. કોંગ્રેસમાંથી આવેલા કિરણ કુમાર રેડ્ડી પણ આંધ્ર પ્રદેશના રાજમપેટથી ચૂંટણી હારી ગયા છે.
આ ઉમેદવારોએ હાંસલ કરી જીત
કોંગ્રેસથી ભાજપમાં આવેલા નવીન જિંદાલ, જિતિન પ્રસાદ, ચિંતામણિ મહારાજની આ ચૂંટણીમાં જીત થઈ છે. નવીન જિંદાલ હરિયાણામાં કુરુક્ષેત્રથી, જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના પીલીભીતથી તો છત્તીસગઢના સરગુજાથી ચિંતામણિ મહારાજની જીત થઈ છે. તેમજ બીઆરએસ છોડીને આવેલા ગોડમ નાગેશ તેલંગાણાની આદિલાબાદ બેઠક પરથી જીત્યા છે. બીજેડીમાંથી ભાજપમાં જોડાયેલા ભર્તૃહરિ મહતાબ ઓડિશાની કટક બેઠક પરથી જીત્યા છે.
કોંગ્રેસમાં રાહુલ કાસવાનની જીત
બસપામાંથી કોંગ્રેસમાં આવેલા દાનિશ અલી યુપીના અમરોહાથી હારી ગયા છે. રાજસ્થાનના કોટાથી ભાજપના પ્રહલાદ ગુંજલ હારી ગયા. તેલંગાણાની ચેવલ્લા બેઠક પરથી બીઆરએસના જી. રંજીથ રેડ્ડી હારી ગયા છે. બીઆરએસના દાનમ નાગેન્દ્ર પણ તેલંગાણાની સિકંદરાબાદ બેઠક પરથી હારી ગયા છે. સુનિતા મહેન્દ્ર રેડ્ડી તેલંગાણાની મલકાજગિરી બેઠક પરથી હાર્યા છે, જે બીઆરએસમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રાહુલ કાસવાન રાજસ્થાનના ચુરુમાંથી જીત્યા છે.