મ.પ્રદેશ-છત્તીસગઢમાં ચૂંટણીમાં હિંસા : બેનાં મોત

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
મ.પ્રદેશ-છત્તીસગઢમાં ચૂંટણીમાં હિંસા : બેનાં મોત 1 - image


- મધ્ય પ્રદેશમાં 71 ટકા, છત્તીસગઢમાં 68 ટકા મતદાન, છત્તીસગઢમાં નક્સલીઓએ બે જગ્યાએ આઈઈડી વિસ્ફોટ કર્યો 

- મધ્ય પ્રદેશમાં તમામ 230 બેઠકો, છત્તીસગઢમાં બીજા તબક્કામાં 70 બેઠકો માટે મતદાન : મધ્ય પ્રદેશના છતરપુરમાં મુસ્લિમ કોર્પોરેટરનું મોત

- ઈન્દોર અને મુરૈનામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, તલવારબાજી અને ખાનગી ગોળીબાર થયા

- છત્તીસગઢના બડે ગોબરાના જંગલોમાં આઈઈડી વિસ્ફોટમાં આઈટીબીપીનો જવાન શહીદ, ધમતરીમાં સુરક્ષા દળોએ પાંચ કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા

નવી દિલ્હી : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે શુક્રવારે મધ્ય પ્રદેશમાં તમામ ૨૩૦ બેઠકો પર જ્યારે છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૭૦ બેઠકો પર મતદાન થયું હતું. બંને રાજ્યોમાં શુક્રવારે મતદાન લોહિયાળ બન્યું હતું. છત્તીસગઢમાં નક્સલીઓએ બે સ્થળો પર આઈઈડી વિસ્ફોટ કર્યા હતા અને એક જગ્યા પર પોલીંગ ટીમ પર હુમલો કરતાં આઈટીબીપીના એક જવાનનું મોત નીપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં ઈન્દોર અને મુરૈનામાં કેટલીક જગ્યાએ પથ્થરમારો, ગોળીબાર અને તલવારથી હુમલા થયા હતા. આ હિંસામાં એક મુસ્લિમ કોર્પોરેટરનું મોત થયું હતું. મધ્ય પ્રદેશમાં ૭૧ ટકા જ્યારે છત્તીસગઢમાં ૬૮ ટકા મતદાન થયું હતું. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ૩ ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. હવે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન બાકી છે. 

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં શુક્રવારે તમામ ૨૦૦ સીટો ઉપર મતદાન થયું હતું. જોકે, આ મતદાનમાં અનેક સ્થળો પર હિંસા ફાટી નીકળી હતી. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કમલનાથ સહિત કુલ ૨,૫૩૩ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. ઈન્દોર અને મુરૈનામાં અનેક સ્થળોએ પથ્થરમારો થયો હતો જ્યારે કેટલાક સ્થળોએ તલવારોથી હુમલો થયો હતો. કેટલીક જગ્યાએ ખાનગી ગોળીબારો પણ થયા. છતરપુર જીલ્લાના રાજનગર વિધાનસભા ક્ષેત્રમાં વહેલી સવારે ત્રણ વાગે બે રાજકીય જુથો સામ-સામે આવી ગયા હતા. જેમાં ખજુરાહો ક્ષેત્રમાં તોફાનોમાં એક મુસ્લીમ કોર્પોરેટર સલમાનખાનની હત્યા થઈ ગઈ હતી. એસ.પી. અમિત સાંઘવીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે તેમની ઉપર મોટર ચલાવતા તેમનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

દરમિયાન ઈન્દોરના મહુ વિધાનસભા ક્ષેત્રમાં સિંધી કોલોનીમાં મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ખુલ્લેઆમ મારામારી થઈ હતી. બંને પક્ષ વચ્ચે માત્ર પથ્થરમારો જ નહીં પરંતુ તલવારબાજી પણ થઈ હતી. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી મળતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ અને બળ-પ્રયોગ કરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

વાસ્તવમાં ચૂંટણી હિંસાની શરૂઆત ગુરૂવારે રાતથી જ થઈ ગઈ હતી. ઈન્દોરના રાઉ વિધાનસભા ક્ષેત્રમાં મોડી રાત્રે ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ભંવર કુવા પોલીસ સ્ટેશનની બહાર જ તોફાને ચઢેલા લોકોને વિખેરવા પોલીસે અશ્રુવાયુનો ઉપયોગ કરવો પડયો હતો. આ ઉપરાંત મુરૈનાનાં દીમની ગામમાં મતદાન દરમિયાન એક જ ગામમાં બે વખત તોફાનો થયા હતા ત્યાં બંને જૂથો સામ-સામા આવી ગયા હતા. બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન બંને જૂથોએ પરસ્પર ખાનગી ગોળીબાર કર્યા હોવાની પણ માહિતી મળી છે. આ હિંસા દરમિયાન સુરક્ષા દળોના જવાનો સહિત કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ચંબલ વિસ્તારના ભીંડમાં પણ ભારે તોફાનો થયા હતા. જિલ્લાની મહેગાંવ વિધાનસભા સીટ પરના ભાજપના ઉમેદવાર પર હુમલા થયા હતા. જ્યારે માનહડ ગામમાં ભાજપના ઉમેદવાર રાકેશ શુકલા ઉપર પથ્થરમારો થયો હતો. આ ગામમાં પોલિંગ-બૂથ ઉપર કોંગ્રેસ અને 'આપ'ના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી.

દરમિયાન છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં ૭૦ બેઠકો પર મતદાન થયું હતું. આ સમયે નક્સલીઓ ફરી સક્રિય થયા હતા. તેમણે ધમતરીના સિહાવા વિધાનસત્રા ક્ષેત્રમાં એક પછી એક બે આઈઈડી વિસ્ફોટ કર્યા હતા. મતદાનની ટીમ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં પહોંચતા આ વિસ્ફોટ કરાયા હતા. આ વિસ્તારમાં સુરક્ષા દળોએ પાંચ કિલો વિસ્ફોટક ઉપકરણો પણ જપ્ત કર્યા હતા.

છત્તીસગઢના અતિસંવેદનશીલ મતદાન કેન્દ્ર બડે ગોબરાના જંગલોમાં શુક્રવારે નક્સલીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો, જેના કારણે આઈટીબીપીનો એક જવાન શહીદ થઈ ગયો હતો જ્યારે અન્ય એકને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, પોલિંગ પાર્ટી અને ઈવીએમ મશીનો સુરક્ષિત રીતે ગરિયાબંદ જિલ્લામાં પહોંચાડાઈ હતી. 

છત્તીસગઢમાં બીજા તબક્કામાં ૭૦ બેઠકોમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવ, રાજ્યના આઠ મંત્રીઓ અને ચાર સાંસદોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. ગરિયાબંદ જિલ્લાના નક્સલગ્રસ્ત બિંદ્રાનવાગઢ વિધાનસભા ક્ષેત્રના નવ મતદાન કેન્દ્રો પર બપોરે ૩.૦૦ વાગ્યે જ મતદાન પૂર્ણ થઈ ગયું હતું. અહીં ૯૧ ટકા મતદાન થયું હતું જ્યારે છત્તીસગઢમાં સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં ૬૭.૩૪ ટકા મતદાન થયું હતું. નક્સલીઓએ ધમતરીના સિહાવા વિધાનસભા ક્ષેત્રમાં બે અલગ અલગ જગ્યાએ ઓછી તિવ્રતાના બોમ્બ વિસ્ફોટ કરતાં ચૂંટણી બહિષ્કારની ધમકી આપી હતી. જોકે, ચૂંટણી પંચે પર્યાપ્ત સુરક્ષા દળો સાથે સીઆરપીએફની બટાલિયન તૈનાત કરી રાખી છે.

રાયપુર (ઉત્તર) બેઠકના તમામ મતદાન કેન્દ્રો પર તમામ કર્મચારી મહિલાઓ

દેશમાં ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ વિધાનસભા બેઠકના તમામ મતદાન કેન્દ્રોનું સંચાલન તમામ મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇતિહાસ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે થયેલા મતદાનમાં રચવામાં આવ્યો હતો. 

છત્તસીગઢની રાયપુર (ઉત્તર)ના ૨૦૧ બૂથો પર મહીલાઓએ ચૂંટણી કામગીરી કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૨૦૧ મતદાન કેન્દ્રો પર કુલ ૧૦૪૬ મહિલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં. 


Google NewsGoogle News