મહારાષ્ટ્ર અને ઝારખંડમાં દેવદિવાળીએ ચૂંટણીની આતશબાજી
- મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં 20મી નવેમ્બરે મતદાન, ઝારખંડમાં 13 અને 20મી નવેમ્બરે બે તબક્કામાં મતદાન, બંનેની મતગણતરી તા. 23મીએ એકસાથે
- વિધાનસભાની 48 બેઠકો તથા મહારાષ્ટ્રની નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠકોની પણ પેટાચૂંટણી : મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 9.63 કરોડ, ઝારખંડમાં 81 બેઠકો માટે 2.6 કરોડ મતદારો
મુંબઈ, નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે એક જ તબક્કામં મતદાન યોજાશે જ્યારે ઝારખંડમાં તા. ૧૩મી નવેમ્બર તથા ૨૦મી નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. બંને રાજ્યોની મતગણતરી તા. ૨૩મી નવેમ્બરે યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણીઓની સાથે અલગ અલગ રાજ્યોની ૪૮ વિધાનસભા બેઠકો ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સહિત બે લોકસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પંચે આ રાજ્યોની ચૂંટણીઓમાં મની પાવર તથા મસલ પાવરને નાથવા માટે વિશેષ પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સ ઉપરાંત પરિણામના દિવસે વહેલાં જ ઉતાવળે જારી કરી દેવાતા બિનસત્તાવાર ટ્રેન્ડઝ સામે પણ ટકોર કરી છે. ચૂંટણી તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી આચારસંહિતા અમલી થઈ ચૂકી છે.
દિલ્હીના વિજ્ઞાાન ભવન ખાતે યોજાયેલી કેન્દ્રીયચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં ૨૦મીએ મતદાન યોજાશે અને ૨૩મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન યોજાશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે મતદાન યોજાશે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૧૯માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડમાં ૮૧ બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૯માં યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં ૯.૬૩ કરોડ જ્યારે ઝારખંડમાં ૨.૬ કરોડ મતદારો મતદાન કરવાના છે.
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી હરિયાણાની સાથે યોજાશે તેવી અપેક્ષા સેવાતી હતી. પરંતુ, ચૂંટણી પંચે પાછલાં વર્ષોમાં પેહેલીવાર હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ છૂટી પાડી દીધી છે અને મહારાષ્ટ્ર તથા ઝારખંડની ચૂંટણીને ક્લબ કરી દીધી છે.
પેટાચૂંટણીની પણ જાહેરાત
૪૮ વિધાનસભા અને બે લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ૪૭ વિધાનસભા બેઠકો તથા કેરળની વાયનાડ લોકસભા માટે ૧૩ નવેમ્બરે મતદાન યોજાશે. ઉત્તરાખંડની એક વિધાનસભા તથા મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા માટે ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બે બેઠકો પરથી ચૂંટાયા હતા. તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે અને આ રીતે સંસદીય રાજકારણમાં તેમની એન્ટ્રી થશે. ે મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી છે.
મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાં ફોર્મ ભરાશે
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે ૨૩મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આવતાં સપ્તાહે ૨૨ ઓક્ટોબરે નોટિફિકેશન પ્રગટ થશે, નોમિનેશનની છેલ્લી તારીખ ૨૯ઓક્ટોબર હશે એટલે ત્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે. નોમિનેશન સ્ક્ટિની ૩૦ ઓક્ટોબરે થશે જ્યારે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.
ઝારખંડમાં 81 બેઠકો પર મતદાન
ઝારખંડમાં પહેલા તબક્કા માટે તા. ૧૮મી ઓક્ટોબરે જ્યારે બીજા તબક્કા માટે ૨૨મી ઓક્ટોબરે ફોર્મ ભરાવાનું શરુ થશે. રાજ્યના પચ્ચીસ જિલ્લાની ૮૧ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ ૮૧ બેઠકોમાંથી ૪૪ બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે ૯ બેઠકો એસસી માટે અને ૨૮ બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.
કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે લોકોને અભિનંદન
મુખ્ય ચૂંટણી કમિશનરે લલકાર્યું, કુછ તો લોગ કહેંગે...
એક્ઝિટ પોલ ખોટા પડતા હોવા અંગે પણ ટકોર : ઉતાવળે ખોટા રિઝલ્ટ ટ્રેન્ડની પણ ટીકા
નવી દિલ્હી : ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં સફળ ચૂંટણી માટે મતદારોને અભિનંદન આપવાની સાથે સાથે પોતાની પીઠ પણ જાતે થાબડી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહીના તહેવારને ઐતિહાસિક બનાવ્યો છે. તેઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને તે લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો છે. આ ચૂંટણીઓમાં જે જુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આ લોકતાંત્રિક યાત્રાને આગળ વધારવી એ જમ્મુ-કાશ્મીરના લોકો પર નિર્ભર છે. તેમણે કહ્યું હતું કે અમે નવાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. જમ્મુ અને કાશ્મીરમાં તથા હરિયાણા ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચાલી નથી. ઘટતી હિંસા અને વધતી વોટ ટકાવારી દર્શાવે છે કે શાંતિપૂર્ણ માહોલમાં વધુને વધુ લોકો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ચૂંટણી શિડયૂલ બાબતે ચૂંટણી પંચની નિષ્પક્ષતા તથા ઈવીએમ સાથે ચેડાં સહિતની અન્ય બાબતો અંગે વિપક્ષોની ટીકાઓના સંદર્ભમાં તેમણે 'કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હૈ કહેના ' એ ગીતની કડીઓ ઉચ્ચારી હતી.
તેમણે એક્ઝિટ પોલ્સ ખોટા પડી રહ્યા હોવા અંગે આત્મચિંતન કરવા જુદી જુદી એજન્સીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે સર્વે કરનારાઓએ જોવું જોઈએ કે તેમની સેમ્પલ સાઈઝ ખોટી હતી કે પછી બીજી કોઈ ભૂલ થઈ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મતગણતરી સવારે ૮.૩૦ વાગ્યે જ ચાલુ થાય છે પરંતુ તે પહેલાં આઠ વાગ્યાથી જ રિઝલ્ટના ખોટા ટ્રેન્ડ ઉતાવળે ટીવી પર આવવા માંડે છે. તે પણ અયોગ્ય છે. ક્યારેક એવું લાગે છે કે એક્ઝિટ પોલ્સના આધારે આવા ટ્રેન્ડ દર્શાવી દેવાય છે. જે ઘણીવાર ખોટા પણ પડે છે. તેમણે કહ્યું હતું કે અમે અમારી વેબસાઈટ પર ૯.૩૧ કલાકે પહેલો ટ્રૈન્ડ જારી કરીએ છીએ. કોઈ પત્રકાર કાઉન્ટિંગ સેન્ટર પર હોય તો પણ સવારના નવ વાગ્યાથી તે કેવી રીતે ટ્રેન્ડ મોકલવા માગે છે એ સવાલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પેજર હેક થાય તો ઈવીએમ કેમ નહિ તેવો પણ સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. પરંતુ પેજર કનેક્ટેટ હોય છે, ઈવીએમ ક્યાંય કોઈ રીતે કનેક્ટેડ હોતાં નથી.
ઝારખંડમાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે
ઝારખંડમાં હેમંત સોરેન સામે પુનરાગમનનો પડકાર
નવી દિલ્હી : ઝારખંડમાં ૨૦૧૯માં થયેલી ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ તથા રાષ્ટ્રીય જનતાદળની યુતિનો વિજય થયો હતો અને હેમંત સોરેન મુખ્યપ્રધાન બન્યા હતા. જોકે, મની લોન્ડરિગં કેસમાં ઈડીની કાર્યવાહીને પગલે હેમંત સોરેને ગાદી છોડવી પડી હતી અને ચંપાઈ સોરેન તેમના અનુગામી બન્યા હતા. પરંતુ, ગત જુલાઈમાં હેમંત સોરેન ફરી સત્તા પર પાછા ફર્યા હતા.
હવે હેમંત સોરેન સામે ૨૦૧૯ના વિજયનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. ભાજપ આ રાજ્ય વિપક્ષો પાસેથી આંચકી લેવા માટે તનતોડ પ્રયાસો કરે છે. ઝારખંડમાં ૨.૬ કરોડ મતદારો નોંધાયા છે. તેમાં પુરુષ મતદારો કરત મહિલા મતદારો વધારે છે. ઝારખંડના અનેક જિલ્લા નકસલ પ્રભાવિત હોવાથી ત્યાં બે તબક્કામાં મતદાનનો નિર્ણય લેવાયો છે.