'મતદારો આવા નેતાઓનો વિરોધ કરે', રમેશ બિધૂડીના નિવેદનોથી મુખ્ય ચૂંટણી અધિકારી લાલઘૂમ
Delhi Assembly Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ મારફત ચૂંટણીની તારીખો રજૂ કરવાની સાથે નેતાઓના વિવાદિત નિવેદનોની ટીકા કરી હતી. તેમણે ખાસ ભાજપ ઉમેદવાર રમેશ બિધૂડીનું પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી આતિશી વિશે કરેલા નિવેદનોને ચૂંટણી પંચે અત્યંત નિમ્ન કક્ષાના ગણાવ્યા છે.
રાજીવ કુમારે બિધૂડીના નિવેદન પર આપ્યો જવાબ
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રમેશ બિધૂડીના નિવેદનો અંગે પૂછેલા સવાલનો જવાબ આપ્યો હતો કે, 'જો કોઈ મહિલા વિશે અત્યંત નિમ્ન કક્ષાના શબ્દો બોલવામાં આવે તો તેની આકરી ટીકા કરવી જોઈએ. તમામ મતદારોએ સાથે મળીને તેનો વિરોધ કરવો જોઈએ. મતદારોએ પણ આવા નેતાનો વિરોધ કરવો જોઈએ.'
આ પણ વાંચોઃ મને ફરી મુખ્યમંત્રી આવાસથી કાઢી મૂકવામાં આવી', CM આતિશીના કેન્દ્ર પર પ્રહાર
મતદારો જ આ નિવેદનોનો જવાબ આપશે
ચૂંટણી પંચના વડા રાજીવ કુમારે બિધૂડી વિરૂદ્ધ કાર્યવાહી મુદ્દે જણાવ્યું હતું કે, 'આ પ્રકારની અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ માટે અમે ખૂબ જ કડક માર્ગદર્શિકા આપી છે. હાલ અમે અમારા જિલ્લા અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવાથી અટકાવી રહ્યા છે કારણકે, તેનો જવાબ મતદારો આપશે. મતદારો જ આકરો વિરોધ કરશે. અમે આ ટિપ્પણીઓનો સખત વિરોધ કરીએ છીએ.'
આતિશીના પિતા પર બિધૂડીની વાંધાજનક ટિપ્પણી
ભાજપ ઉમેદવાર રમેશ બિધૂડીએ રોહિણીમાં એક રેલીને સંબોધિત કરતાં નિવેદન આપ્યું હતું કે, ‘મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ તો પોતાનો બાપ જ બદલી દીધો છે. તે માર્લેનામાંથી સિંહ થઈ ગઈ.’
એટલું જ નહીં, આતિશીના પિતા અંગે તેમણે દાવો કર્યો હતો કે, ‘તે અફઝલ ગુરૂના સમર્થક હતા.’ આતિશીએ બિધૂડીના આવા નિવેદનોનો વિરોધ કર્યો હતો.
પ્રિયંકા ગાંધી વિશે પણ બિધૂડીની અયોગ્ય ટિપ્પણી
બિધૂડીએ હાલમાં જ પ્રિયંકા ગાંધીનું નામ લેતાં નિવેદન આપ્યું હતું કે, 'કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવાશે. તેમજ આ નિવેદનો બદલ માફી માંગવાના બદલે તેમણે કોંગ્રેસ પર જ દોષનો ટોપલો ઢોળ્યો હતો.'