ચૂંટણીની તારીખો નક્કી કરવા સેટેલાઈટથી લઈને પંચાંગની મદદ લે છે ચૂંટણી પંચ, જાણો કારણ

ચૂંટણી પંચ આ તારીખો એ આધાર પર નક્કી કરે છે કે, ચૂંટણી સમય પર સંપન્ન થાય અન વધુમાં વધુ લોકો મતદાન માટે પહોંચે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ચૂંટણીની તારીખો નક્કી કરવા સેટેલાઈટથી લઈને પંચાંગની મદદ લે છે ચૂંટણી પંચ, જાણો કારણ 1 - image


આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થવા જઈ રહી છે. બપોરે 3 વાગ્યે ચૂંટણી પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ જશે અને બે મહિનાથી વધુ સમય સુધી ચાલતા વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો ઉત્સવ શરૂ થઈ જશે.

જો કે, આ વચ્ચે લોકો આ તારીખો નક્કી કરવામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી મહેનત પર બિલકુલ ધ્યાન નથી આપતા. ચૂંટણી પૂર્ણ જેટલી મુશ્કેલ છે એટલી જ તેની તારીખો નક્કી કરવી મુશ્કેલ છે. 97 કરોડ લોકોમાંથી વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પહોંચી શકે એટલા માટે તેની તારીખ નક્કી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો નક્કી કરતા પહેલા સેટેલાઈટથી લઈને પંચાગની મદદ લે છે. તો ચાલો જોઈએ ચૂંટણી પંચની તારીખો નક્કી કરવાની કવાયત.

કઈ બાબતો પર નજર રાખે છે ચૂંટણી પંચ

છેલ્લી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે તત્કાલિન કમિશનર અશોક લવાસાએ એ બાબતોના સંકેત આપ્યા હતા કે, તારીખો નક્કી કરવામાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. 2019ની તારીખોનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો માટે પરીક્ષાઓની તારીખો, તહેવારો, પાકની મોસમ અને હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને તારીખો નક્કી કરવામાં આવી છે.

સુરક્ષા માટે સુરક્ષા દળોની ઉપલબ્ધતા

1996ની તારીખોનું એલાન કરતી વખતે ટીએન શેષને પોતાની 4 પ્રાથમિકતાઓ વિશે જણાવ્યું હતું જે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ, મુક્ત અને હિંસામુક્ત ચૂંટણી હતી. એનો અર્થ એ કે, તેનો સંપૂર્ણ ભાર સુરક્ષા પર હતો. ત્યારથી અત્યાર સુધીમાં સુરક્ષા સાથે સબંધિત સ્થિતિઓ ખૂબ જ સારી બની ચૂકી છે પરંતુ હજુ પણ સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. તેના માટે સુરક્ષાદળોની પર્યાપ્ત તૈનાતી કરવામાં આવે છે.

તારીખો નક્કી કરવામાં આ જ સૌથી મોટું ફેક્ટર હોય છે કે, મતદાનના દિવસે સુરક્ષા દળોની પર્યાપ્ત હાજરી સુનિશ્ચિત છે કે નહીં. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં આ વધુ મહત્ત્વનું બની જાય છે. સુરક્ષા દળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લાગતો સમય, સુરક્ષા દળોની ઉપલબ્ધતા, સાધન સામગ્રીની ઉપલબ્ધતા અને આવી અનેક બાબતોની ગણતરી કર્યા બાદ જ તારીખો નક્કી કરવામાં આવે છે.

આ વખતની ચૂંટણીમાં દેશભરમાં 12.5 લાખથી વધુ ચૂંટણી કેન્દ્રો તૈયાર કરવામાં આવશે. અને ચૂંટણી પંચે 3.4 લાખ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની માંગણી કરી છે. બીજી તરફ ચૂંટણી પંચે સુરક્ષા દળોની અવરજવર માટે ટ્રેનના સારા કોચ અને દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા માટે હેલિકોપ્ટરની ઉપલબ્ધતા પર પણ ભાર મૂક્યો છે. સંસાધનો મર્યાદિત હોવાના કારણે તેને મેનેજ કર્યા બાદ જ તારીખો નક્કી કરવામાં આવે છે. આ તારીખો નક્કી કરતી વખતે એ જોવામાં આવે છે કે શું આ દિવસે મતદાન વિસ્તારમાં સુરક્ષા દળોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે કે નહીં.

હવામાનની ચેતવણી

ચૂંટણીની તારીખો નક્કી કરતી વખતે કેટલાક વિસ્તારો માટે હવામાન ખૂબ મહત્ત્વનું હોય છે. અહીં ચૂંટણી સંપન્ન કરાવવા માટે નક્કી કરવામાં આવેલા નિયમોમાં પણ ઉલ્લેખ છે. જેમ કે લક્ષદ્વીપ કોઓપરેટિવ રૂલ્સ, 2023ના ચૂંટણી સંચાલન નિયમો હેઠળ સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે કે ચૂંટણી કાર્યક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એક કરતાં વધુ દ્વીપોના સંચાલન ક્ષેત્ર વાળી સોસાયટીના મામલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના તમામ અથવા કોઈપણ ભાગને ચૂંટણી કાર્યક્રમમાંથી બહાર રાખવામાં આવશે. વાસ્તવમાં આ નિયમ ચોમાસાની સિઝનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ આ તારીખો એ આધાર પર નક્કી કરે છે કે, ચૂંટણી સમય પર સંપન્ન થાય અન વધુમાં વધુ લોકો મતદાન માટે પહોંચે. જોકે, હવામાન તેમાં મોટો અવરોધ ઊભો કરી શકે છે. આવી સ્થિતિમાં, ગરમી, વરસાદ, પૂર, હિમવર્ષા, દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત, તોફાન વગેરે જેવી ઘણી બાબતો પર નજર રાખવામાં આવે છે અને તારીખો નક્કી કરતા પહેલા હવામાન વિભાગ પાસેથી આગાહી મંગાવવામાં આવે છે. સેટેલાઈટથી મળેલી ચેતવણીઓની આમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા હોય છે. મતદાન માટે સ્વચ્છ અને સારા હવામાનવાળા દિવસો જ પસંદ કરવામાં આવે છે.

તહેવાર અને ઉત્સવોની તારીખ

ભારત તહેવારોનો દેશ છે. અહીં સતત તહેવાર, મેળા અને મોટી શોભાયાત્રા ચાલુ રહેતી હોય છે. તહેવારો ચૂંટણી પ્રક્રિયાને બે રીતે અસર કરે છે. પ્રથમ એ કે, તહેવારો દરમિયાન સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવે છે. આ સાથે જ તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી જા છે. આવી સ્થિતિમાં ચૂંટણીની તારીખો નક્કી કરતા પહેલ, પંચ પંચાંગ પર પણ નજર નાખે છે કે, ચૂંટણીની તારીખ તે વિસ્તારના કોઈ ખાસ અને મોટા ધાર્મિક પ્રસંગ અથવા તહેવાર સાથે તો નથી પડી રહી ને. બંનેને અલગ રાખવાથી એ સુનિશ્ચિત થાય છે કે સમાન સંખ્યામાં સુરક્ષા દળો બંને ઈવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરાવી શકશે અને મતદાનની ટકાવારી પણ વધારી શકાશે.

ભારત એક કૃષિ આધારિત અર્થતંત્ર છે જ્યાં પાકની પોતાની સ્ઝન હોય છે જેમાં વાવણીથી લઈને લણણી સામેલ છે. આ પ્રક્રિયામાં સમગ્ર ગ્રામીણ ભારતથી લઈને સરકારી મશીનરી પણ સામેલ છે. જો વાવણી અથવા લણણીના સમયગાળા દરમિયાન ચૂંટણીની તારીખ આવે છે તો ગ્રામીણ વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઘટવાની સંભાવના બને છે. આ જ કારણ છે કે જ્યારે ગ્રામીણ વિસ્તારો તેમની ખેતીની જવાબદારીમાં ખૂબ વ્યસ્ત ન હોય ત્યારે ચૂંટણીની તારીખો હોય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

એવો કોઈ પણ ઈવેન્ટ જે સુરક્ષા દળોની ઉપલબ્ધતા, સરકારી મશીનરીની ઉપલબ્ધતા અથવા મતદાનની ટકાવારીને અસર કરી શકે છે તેના પર તારીખો નક્કી કરતા પહેલા પંચ વિચાર કરે છે. તેમાં બાળકોની પરીક્ષાઓ. કોઈ ચોક્કસ વિસ્તારમાં મોસમી રોગની સિઝન જેવું કંઈ પણ શામેલ હોઈ શકે છે.

આ સાથે જ વિભાગ એ પણ અગાઉથી વિચારી રાખે છે કે જો કોઈ કારણસર કોઈપણ મતદાન મથકની ચૂંટણીઓ રદ કરવામાં આવે તો તે ફરીથી એવી રીતે હાથ ધરવામાં આવે કે જેથી મતગણતરી પહેલા મતદાન પ્રક્રિયા 100% પૂર્ણ થઈ જાય. એટલે કે પંચ માત્ર મતદાનની તારીખો જ નક્કી નથી કરતું પણ વૈકલ્પિક તારીખો માટે પણ અવકાશ બનાવી રાખે છે. આ વૈકલ્પિક તારીખો માટે પણ સમગ્ર પ્રક્રિયા એ જ છે જે નક્કી તારીખો માટે અપનાવવામાં આવે છે.



Google NewsGoogle News