Get The App

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ-કોંગ્રેસને નોટિસ, PM મોદી-રાહુલના નિવેદન પર માગ્યા ખુલાસા

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ-કોંગ્રેસને નોટિસ, PM મોદી-રાહુલના નિવેદન પર માગ્યા ખુલાસા 1 - image


Lok Sabha Elections 2024: આજે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા (ECI)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ને નોટિસ મોકલી છે. બંને પક્ષો પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું 

ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

શું કહેવું છે ચૂંટણી પંચનું

આ મામલે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.

નોટિસ પર કોંગ્રેસની પ્રતિક્રિયા

ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશ (Jairam Ramesh)એ કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.

ચૂંટણી પંચે કેમ મોકલી નોટિસ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની મિલકતો લઈ લેવામાં આવશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે સરકાર બન્યા બાદ માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની જાણકારી લઈને પછી તેનું વિતરણ કરીશું. વડપ્રધાન મોદીની આ નિવેદનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.

તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્દોના ઉપયોગને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પોતાની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ-કોંગ્રેસને નોટિસ, PM મોદી-રાહુલના નિવેદન પર માગ્યા ખુલાસા 2 - image


Google NewsGoogle News