Get The App

‘ડેથ સર્ટિફિકેટ વિના મતદાર યાદીમાંથી મૃતકનું નામ કાઢી શકાતું નથી’ કેજરીવાલના આરોપ પર ECનો જવાબ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
‘ડેથ સર્ટિફિકેટ વિના મતદાર યાદીમાંથી મૃતકનું નામ કાઢી શકાતું નથી’ કેજરીવાલના આરોપ પર ECનો જવાબ 1 - image


Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભારે ગરમાગરમી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે, આ સાથે પંચે મતદારોના નામ કાપવાના આક્ષેપનો તેમજ ઈવીએમમાં ગડબડીના આરોપનો પણ જવાબ આપી દીધો છે. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલે અને તેમની આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા. તેઓએ નવી દિલ્હી વિધાનસભા બેઠક સહિત અનેક બેઠકો પર મતદારોના નામ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાસ કરીને તે લોકો અને વિસ્તારોના લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોઈ શકે છે, જેઓ AAPના સમર્થનમાં છે. પાર્ટીએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી અને હવે ચૂંટણી પંચના કમિશ્નર રાજીવ કુમારે તેનો જવાબ આપી દીધો છે.

30 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ, જેમાં 15મા વિવિધ પક્ષો સત્તામાં

ECના કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સાથે પંચે આમ આદમી પાર્ટીના આક્ષેપોનો પણ તબક્કાવાર રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાંથી કોઈનું પણ નામ મનમાની રીતે કાઢી શકાતું નથી. આ મુદ્દે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં 30 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને 15 રાજ્યોમાં વિવિધ પક્ષો સત્તામાં આવ્યા છે. તેના પરથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી રીતે થઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.’

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ

તમામ પક્ષો પાસે BLOની નિમણૂક કરવાનો અધિકાર

તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાંથી નામ કાઢવાની અને સામેલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શી છે. એટલું જ નહીં અમે તમામ રાજકીય પક્ષોને BLOની નિમણૂક કરવાનો પણ અધિકાર આપ્યો છે. દર વર્ષે ઑક્ટોબરમાં ડ્રાફ્ટ રોલ તૈયાર કરવામાં આવે છે અને યાદીમાં નવા લોકોને જોડવામાં આવે છે. અમે જે લોકો શિફ્ટ થઈ ગયા હોય અથવા મૃત્યુ થયું હોય, તેવા મતદારોના નામ યાદીમાંથી કાઢીએ છીએ.

ડેથ સર્ટિફિકેટ વગર નામ કાઢી નાખવું અશક્ય

તેમણે કહ્યું કે, ‘તમામ રાજકીય પક્ષોને યાદીની બે કોપી આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ મુદ્દે વ્યક્તિગત સુનાવણી થાય છે. જો કોઈ મતદારનું નામ કાઢી નાખવા માટે અરજી આવે છે, તો અમે તેમના પરિવારજનો અથવા તેમનો સંપર્ક કરીએ છીએ. મૃત્યુ બાબતમાં ડેટ સર્ટિફિકેટ મળ્યા બાદ જ મતદાર યાદીમાંથી નામ કાઢવામાં આવે છે.

રાજીવ કુમારે EVMનો ભ્રમ પણ દૂર કર્યો

ચૂંટણી પંચના કમિશ્નરે EVM પર થતાં આક્ષેપોનો પણ જવાબ આપ્યો છે. તેમણે EVMમાં ગડબડીનો ભ્રમ દૂર કરતાં કહ્યું કે, ‘મતદાન મથકથી સ્ટ્રોંગ રૂમ સુધી EVM લઈ જવાની પ્રક્રિયામાં રાજકીય પક્ષોના એજન્ટોને સામેલ કરવામાં આવે છે. તેમને મતોની પણ માહિતી આપવામાં આવે છે કે, કયા મશીનમાં કેટલા મત પડ્યા છે.’

આ પણ વાંચો : 'મતદારો આવા નેતાઓનો વિરોધ કરે', રમેશ બિધૂડીના નિવેદનોથી મુખ્ય ચૂંટણી અધિકારી લાલઘૂમ

ઈવીએમની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા ઈવીએમ તૈયાર થઈ જાય છે. એજન્ટની સામે ઈવીએમ સીલ કરવામાં આવે છે. મતદાન બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે. ઈવીએમમાં ​​ગેરકાનૂની મત હોવાની કોઈ શક્યતા નથી. ઈવીએમની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે. ન્યૂઝ ચેનલો સાંજના આંકડા જાહેર કરી દે છે. પરંતુ સચોટ આંકડા જાહેર થવામાં વાર લાગે છે. EVM મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી ફોર્મ 17C સાથે કરવામાં આવે છે. મતદાન પૂરું થયા પછી પોલિંગ એજન્ટોને ફોર્મ 17C આપવામાં આવે છે. તેમાં તે મતદાન મથક પર લેવાયેલા મતદાનનો રૅકોર્ડ હોય છે. આ રીતે, મતદાન અને મતગણતરી દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે છે.

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીથી વિધાનસભા ચૂંટણી

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે,દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ઉમેદવારો માટે નોમિનેશન ફોર્મ 10 જાન્યુઆરીથી મળવાના શરુ થશે. દિલ્હીમાં ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. 

પેટાચૂંટણીની પણ તારીખ જાહેર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર 5મી ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે જ્યારે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે. તામિલનાડુની ઈરોડ સીટ પર પણ 5 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે. બર્ફીલા વાતાવરણને કારણે જમ્મુ-કાશ્મીરના બડગામ અને નગરોટામાં પછીથી ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો : CM આતિશીના આરોપ બાદ PWDની સ્પષ્ટતા, કહ્યું- 'તેઓ ક્યારેય આવાસ પર રહેવા જ નથી ગયા'


Google NewsGoogle News