Lok Sabha Election 2024: ‘લોકસભા ચૂંટણીમાં નિયમોનું ઉલ્લંઘન કરશો તો ખેર નહીં’ તમામ રાજકીય પક્ષોને ECની ચેતવણી
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું
ચૂંટણીમાં ભડકાઉ ભાષણ, ખોટા નિવેદનો કરવાથી બચવા રાજકીય પક્ષો, સ્ટાર પ્રચારકો, ઉમેદવારોને ચૂંટણી પંચની સલાહ
Election Commission Lok Sabha Election 2024 Notification : ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. આ સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ ક્રમમાં પંચે તમામ રાજકીય પક્ષો ઉપરાંત સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો માટે વાણી સંયમ જાળવવા સહિતની બાબતે માર્ગદર્શિકા જાહેર કરી છે. ચૂંટણી પંચે ચૂંટણી સાથે સંકલાયેલા તમામ લોકોને આદર્શ આચારસંહિતાના નિયમો (Mode Code of Conduct)નું પાલન કરવા આદેશ આપ્યો છે. આ સાથે પંચે એવું પણ જણાવ્યું છે કે, જો કોઈપણ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે.
ભડકાઉ ભાષણ કરનારાઓ પર ચૂંટણી પંચની બાજ નજર
કેટલાક નેતાઓ અને ઉમેદવારો દ્વારા ચૂંટણી ટાણે ભડકાઉ ભાષણો કરવામાં આવતા હોય છે. એટલું જ નહીં ઘણીવાર નિમ્ન કક્ષાના શબ્દો, કોઈ સમાજ કે ધર્મને ઠેસ પહોંચાડતા નિવેદન પણ કરવામાં આવતા હોય છે, ત્યારે ચૂંટણી પંચે આ બાબતોને પણ ધ્યાને રાખી પ્રચારમાં સંયમ જાળવવા સલાહ આપી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે અગાઉની ચૂંટણીઓમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર કેટલાક સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને અગાઉથી નોટિસ પર પણ મુક્યા છે. આ ઉપરાંત પંચ પણ તમામ બાબતો પર બાજ નજર રાખશે.
રાજકીય પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પંચની સલાહ
- મતદારોની જાતિ-સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચતા કોઈપણ નિવેદન આપી શકશે નહીં. કોઈપણ ભડકાઉ ભાષણ કરી શકશે નહીં. જાતિ, સમુદાય કે ધર્મ મામલે વિવાદ ઉભા કરવા જેવા ભાષણો કરી શકશે નહીં.
- મતદારોને ગેરમાર્ગે દોડવાના હેતુથી આધાર વિનાના ખોટા નિવેદનો પણ કરી શકાશે નહીં. આ ઉપરાંત અન્ય પક્ષો અથવા તે પક્ષના કાર્યકરો વિરુદ્ધ જોયાજાણ્યા વગર કે ખોટા આક્ષેપો કરી બચવાની સલાહ અપાઈ છે.
- અન્ય પક્ષોના નેતાઓ કે કાર્યકર્તાઓના આંતરીક જીવન પર ટીકા ન કરવા તેમજ અપમાનિત કરવા માટે નિમ્ન સ્તરના શબ્દોનો ઉપયોગ કરી વ્યક્તિગત હુમલો પણ કરી શકાશે નહીં.
- કોઈપણ પક્ષના ઉમેદવાર કે સ્ટાર પ્રચારક મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા અન્ય કોઈપણ પૂજા સ્થળનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકશે નહીં. તેમજ દેવી-દેવતાઓ અને ભક્તોની હાંસી ઉડાડતા નિવેદન પણ આપી શકશે નહીં.
- આ ઉપરાંત મહિલાઓનું સન્માન અને ગરિમા જાળવવાનું રહેશે તેમજ ગેરમાર્ગે દોરતી કે ખોટી જાહેરાત મીડિયામાં ન આપવાની પણ સલાહ અપાઈ છે.
- ચૂંટણી પંચે સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરી સલાહ આપી છે કે, કોઈપણ ઉમેદવાર પ્રતિસ્પર્ધી ઉમેદવારને બદનામ કરતી અને કેટલીક બાબતો શેર કરવા જેવી નથી, તે પણ પોસ્ટ કરી શકશે નહીં.
MCCના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે
પંચે તમામ રાજકીય પક્ષો, તેમના નેતાઓ અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને આદર્શ આચાર સંહિતા અને કાયદાકીય માળખાની મર્યાદામાં રહેવા વિનંતી કરી છે. આ સાથે ચૂંટણી પંચે ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોઈ એમસીસીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જે નેતાઓએ અગાઉ ટીકા પાત્ર, ભડકાઉ નિવેદને કર્યો છે, તેને પણ રેકોર્ડમાં ગણવામાં આવશે.