ચૂંટણી પંચે કોંગ્રેસ પ્રતિનિધિમંડળને આપ્યું આમંત્રણ: ચૂંટણી પરિણામો પર ઉઠતાં સવાલોનો આપશે જવાબ
Image: X
Election Commission of India: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસના વાંધા અંગે ચૂંટણી પંચે 3 ડિસેમ્બર 2024એ દેશની સૌથી જૂની પાર્ટીના પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે. આ સાથે જ ચૂંટણી પંચે કોંગ્રેસની તમામ કાયદેસર ચિંતાઓની સમીક્ષા કરવા અને તેને વ્યક્તિગત રીતે સાંભળ્યા બાદ લેખિત જવાબ આપવાનું આશ્વાસન આપ્યું છે. કોંગ્રેસને આપવામાં આવેલા પોતાના વચગાળાના જવાબમાં ચૂંટણી પંચે રાજકીય દળોની ભાગીદારીની સાથે પારદર્શી મતદાતા યાદીમાં અપડેટ પ્રક્રિયાને બેવડાવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી પંચને આવેદનપત્ર આપીને વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. જેની પર હવે પંચે જવાબ આપ્યો છે.
સાથે જ મતદાન ડેટા સંબંધિત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ આપતાં ચૂંટણી પંચે મતદાન ડેટામાં કોઈ વિસંગતિ ન હોવાનો દાવો કર્યો છે. પંચે કહ્યું છે કે આ તમામ ઉમેદવારોના મતદાન ડેટા મતદાન કેન્દ્ર પાસે ઉપલબ્ધ છે અને ચકાસાયેલા છે. સાંજે 5 વાગ્યાના મતદાન ડેટા અને અંતિમ મતદાન ડેટામાં અંતર પ્રક્રિયાત્મક આધારે થાય છે કેમ કે પ્રિસાઇડિંગ ઑફિસર મતદાન ડેટાને અપડેટ કર્યા પહેલાં મતદાનની નજીક ઘણા વૈધાનિક કાર્ય કરે છે.
કોંગ્રેસે કાલે પંચને આવેદનપત્ર આપ્યું હતું
આ પહેલા કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી પંચને આવેદનપત્ર આપીને તાજેતરમાં જ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન અને ગણતરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આ મુદ્દે વ્યક્તિગત સુનાવણીની માગ પણ કરી હતી. કોંગ્રેસનો આરોપ છે કે મતદાતા યાદીમાંથી મનમાની રીતે મતદાતાઓને હટાવવામાં આવ્યા અને દરેક વિધાનસભા વિસ્તારમાં 10,000થી વધુ મતદાતાઓને જોડવામાં આવ્યા. પાર્ટીએ એ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મતદાતા ડેટા પર એક પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નરે પણ સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ડેટા અપડેટ બાદ અચાનક 10 લાખ વોટોનો વધારો થઈ ગયો હતો અને તે ચૂંટણી પંચથી તેનો જવાબ ઇચ્છે છે.
આ પણ વાંચો: સંભલ જામા મસ્જિદમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ, ASIના સોગંદનામામાં ચોંકાવનારા દાવા
ચૂંટણી પંચ સમક્ષ કર્યો આ દાવો
ચૂંટણી પંચને આપવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નિથલા, મહારાષ્ટ્ર, કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે અને કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું હતું કે મનમાની રીતે નામ હટાવવા અને જોડવાની આ પ્રક્રિયામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024ની વચ્ચે મહારાષ્ટ્રમાં મતદાતા યાદીમાં લગભગ 47 લાખ નવા મતદાતા સામેલ કરવામાં આવ્યા. પાર્ટીએ દાવો કર્યો કે જે 50 વિધાનસભા ક્ષેત્રોમાં સરેરાશ 50,000 નવા મતદાતા જોડવામાં આવ્યા, તેમાંથી 47 બેઠકો પર સત્તાધારી ગઠબંધન અને તેના સહયોગીઓએ જીત નોંધાવી.
મતદાન ટકાવારીમાં અચાનક વધારા પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસે ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા આંકડા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પાર્ટીએ કહ્યું હતું કે 21 નવેમ્બર 2024એ સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં મતદાન ટકા 58.22% હતા, જે રાત્રે 11.30 વાગ્યા સુધી વધીને 65.02% થઈ ગયું. આ સિવાય અંતિમ રિપોર્ટમાં 66.05% મતદાન નોંધવામાં આવ્યુ. આ મતગણતરી શરુ થવાના અમુક કલાક પહેલા જાહેર કરવામાં આવ્યું. આવેદનપત્ર અનુસાર માત્ર એક કલાકમાં એટલે કે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધીની વચ્ચે લગભગ 76 લાખ વોટ નાખવામાં આવ્યા.