Get The App

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે : મહારાષ્ટ્રની ચૂંટણી અંગે રાહુલનો આરોપ 1 - image


- અમેરિકામાં વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી પંચની ટીકા કરતા ભાજપ લાલધૂમ

- મહારાષ્ટ્રની ચૂંટણીમાં સાંજે 5.30 થી 7.30 દરમિયાન 65 લાખ મતો પડયા જે શક્ય નથી, સિસ્ટમમાં ચોક્કસ ખામી : રાહુલ

- વિદેશી ધરતી પર ભારતીય સંસ્થાઓ અને લોકતંત્રનું અપમાન કર્યુ હોવાથી રાહુલ ગાંધી દેશદ્રોહી : ભાજપ

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં મહારાષ્ટ્ર ચૂંટણીનો સંદર્ભ આપતા આરોપ મૂક્યો છે કે ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. 

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી શનિવારે અમેરિકા પહોંચ્યા હતાં. તેમણે રવિવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ આરોપ મૂક્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે જારી કરેલા આંકડા અનુસાર સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધીમાં ૬૫ લાખ મતદારોએ મતદાન કર્યુ હતું. આટલા સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું મતદાન કેન્દ્ર પહોંચી વોટ નાખવો શક્ય નથી. 

એક મતદારને મતદાન કરવામાં લગભગ ૩ મિનિટ લાગે છે. આ સમયને આધારે ગણતરી કરવામાં આવે તો મતદારોની લાઇન મોડી રાતે બે વાગ્યા સુધી લાગેલી રહેવી જોઇએ પણ વાસ્તવમાં આટલા મોડે સુધી લાઇનો લાગી ન હતી.

રાયબરેલીથી કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે જ્યારે અમે તેમને વીડિયોગ્રાફી માટે જણાવ્યું તો તેમણે ઇનકાર કર્યો અને તેમણે કાયદો પણ બદલી નાખ્યો જેથી અમને વીડિયોગ્રાફીની મંજૂરી આપવામાં ન આવે. 

ગાંધીએ જણાવ્યું હતું કે આ અમારા માટે સ્પષ્ટ છે કે ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે અને સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. મેં અનેક વખત આ વાત જણાવી છે. 

ચૂંટણી પંચ વિરુદ્ધ આ ટિપ્પણી કરવા બદલ ભાજપે રાહુલ ગાંધીને દેશદ્રોહી ગણાવ્યા છે. ભાજપે કોંગ્રેસ સાંસદ પર નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીની કાર્યવાહી અંગે ચૂંટણી પંચ પર ગુસ્સો કાઢવાનો આરોપ મૂક્યો હતો. 

રાહુલ ગાંધીની ટિપ્પણી પર નિશાન સાધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ઇડીની નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહીને કારણે ચૂંટણી પંચ પર ગુસ્સો કાઢી રહ્યાં છે. આમ કરવાથી કંઇ પણ પ્રાપ્ત થશે નહીં. 

ભાજપ સાંસદે જણાવ્યું હતું કે ઇડી તમને છોડશે નહીં કારણકે એજન્સીઓ તથ્યોના આધારે કામ કરે છે. તમને અને તમારી માતાને અપરાધથી કમાવેલ આવકની સાથે પકડવામાં આવશે અને જેલ મોકલવામાં આવશે.

પાત્રાએ જણાવ્યું હતું કે તમે દેશદ્રોહી છો ફક્ત એટલા માટે નહીં કરે વિદેશી ધરતી પર ભારતીય સંસ્થાઓ અને ભારતીય લોકતંત્રનું અપમાન કર્યુ છે પણ એટલા માટે પણ કે તમે અને તમારી માતાએ નેશનલ હેરાલ્ડ કેસમાં દેશના કરોડો રૂપિયાના ઉચાપત કરી છે. 

Tags :