‘ચૂંટણી પંચ-દિલ્હી પોલીસનો પંજાબ CM ભગવંત માનના દિલ્હીના નિવાસસ્થાને દરોડો’ AAPનો દાવો
EC Raid Punjab CM Bhagwant Mann : દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ જોવા મળી રહી છે. તમામ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટે તનતોડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી(AAP)એ ચોંકાવનારો દાવો કરી ખળભળાટ મચાવી દીધો છે. પાર્ટીએ દાવો કર્યો છે કે, ચૂંટણી પંચની ટીમે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હીના નિવાસસ્થાને દરોડો પાડ્યો છે. હાલ ભગવંત માન દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ECની ટીમનો માનના નિવાસસ્થાને દરોડો : AAPનો દાવો
અહેવાલો મુજબ આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ ભગવંત માન મુદ્દે મોટો દાવો કર્યો છે. દાવા મુજબ ચૂંટણી પંચ(Election Commission)ની ટીમે પંજાબના મુખ્યમંત્રીના દિલ્હીના નિવાસસ્થાને દરોડો પાડ્યો છે. ECની ટીમ માનના કપૂરથલા નિવાસસ્થાનની તપાસ કરવા પહોંચી હતી. હાલ ભગવંત માન દિલ્હીમાં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તેથી તેઓ તેમના દિલ્હી સ્થિતિ કપૂરથલા હાઉસમાં રોકાયા છે. તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે.
આ પણ વાંચો : સ્વાતિ માલિવાલે દિલ્હીમાંથી કચરો ભેગો કરી કેજરીવાલના ઘર બહાર ઠાલવ્યો, પોલીસે કરી અટકાયત
ચૂંટણી પંચને ફરિયાદ મળતાં દરોડો પાડ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2025) પહેલા ચૂંટણી પંચને સી વિઝન એપ દ્વારા ભગવંત માન વિરુદ્ધ ફરિયાદ મળી હતી. માનના નિવાસસ્થાને રોકડ વહેંચવામાં આવી રહી હોવાની ફરિયાદ મળ્યા બાદ ફ્લાઇંગ સ્કોવ ટીમ(FST)એ કપૂરથલા નિવાસે દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત ROની ટીમ પણ પહોંચી ગઈ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
CM આતિશીએ ભાજપ પર સાધ્યું નિશાન
દરોડા બાદ મુખ્યમંત્રી આતિશી(Delhi CM Atishi Marlena)એ ચૂંટણી પંચ અને ભાજપ પર નિશાન સાધ્યું છે. આતિશીએ X પર ટ્વિટ કરીને દરોડાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, ‘દિલ્હી પોલીસ ભગવંત માનના દિલ્હીના નિવાસસ્થાને દરોડો પાડવા પહોંચી છે. ભાજપના લોકો ધોળે દિવસે નાણાં, શૂઝ, ચાદરોની વહેંચણી કરતા હોય છે, તે દેખાતું નથી અને તેઓ મુખ્યમંત્રી માનના નિવાસ્થાને દરોડો પાડવા પહોંચી જાય છે. દિલ્હીવાસીઓ ભાજપને પાંચ તારીખે જવાબ આપશે.’ ઉલ્લેખનીય છે કે, FST અને RO સુરક્ષાની માંગ કરે છે, તો તેમને દિલ્હી પોલીસ સુરક્ષા પૂરી પાડે છે.
આ પણ વાંચો : નીતિશ કુમારે ભાંગરો વાટ્યો, ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તાળીઓ વગાડી