ભાજપની ઇચ્છા પૂરી થઈ, હરિયાણામાં બદલાઈ ચૂંટણીની તારીખ, જાણો ક્યારે આવશે પરિણામ
Haryana Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર થયો છે. હવે પહેલી ઑક્ટોબરના બદલે પાંચમી ઑક્ટોબરે મતદાન થશે. આ ઉપરાંત હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બન્ને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બન્ને રાજ્યોમાં મતગણતરી હવે ચોથી ઑક્ટોબરને બદલે આઠમી ઑક્ટોબરે થશે.
ભાજપે ચૂંટણીની તારીખ બદલવા માંગ કરી હતી
ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળ(INLD)એ પણ ચૂંટણી પંચને તારીખ બદલવાની માંગ કરી હતી. બન્ને પક્ષોએ ચૂંટણીની તારીખ (પહેલી ઑક્ટોબર) આગળ વધારવા માટે લેખિતમાં ચૂંટણી પંચને વિનંતી કરી હતી. કારણ કે તે અઠવાડિયામાં જાહેર રજાઓ અને ધાર્મિક તહેવારો સાથે હતા. 29મી અને 30મી સપ્ટેમ્બરે શનિવાર અને રવિવારની રજાઓ છે અને બીજી ઑક્ટોબરે ગાંધી જ્યંતિના કારણે ફરીથી રજા રહેશે. આવી સ્થિતિમાં લોકો રજાઓનો લાભ લઈને શહેરની બહાર જઈ શકે છે, જેના કારણે મતદાનની ટકાવારી ઘટી શકે છે.
આ પણ વાંચો: વિરોધી સૂરની વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન, શું બદલાશે સમીકરણ?
હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે અગાઉ પહેલી ઑક્ટોબરે મતદાન યોજવાની જાહેરાત કરી હતી. ચોથી ઑક્ટોબરે પરિણામ આવવાના હતા. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી હતી. અહીં પણ પરિણામ ચોથી ઑક્ટોબરે જ આવવાના હતા. પરંતુ હવે ચૂંટણી પંચે તારીખોમાં ફેરફાર કર્યો છે.
હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ત્રીજી નવેમ્બર 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ઑક્ટોબર 2019માં યોજાઈ હતી. ચૂંટણી પછી, ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીના ગઠબંધનથી રાજ્ય સરકારની રચના થઈ અને મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા. જો કે, બાદમાં સમીકરણો બદલાયા અને પાર્ટીએ નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા.