Get The App

ચૂંટણી પંચે ભાજપના ઘોષ અને કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેતને લગાવી ફટકાર, આપ્યા કડક નિર્દેશ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
ચૂંટણી પંચે ભાજપના ઘોષ અને કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેતને લગાવી ફટકાર, આપ્યા કડક નિર્દેશ 1 - image


Image Source: Twitter

Election Commission: ચૂંટણી પંચે ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને તેમના દ્વારા મહિલાઓને લઈને આપવામાં આવેલા વાંધાજનક નિવેદન પર ફટકાર લગાવી છે. આયોગે આ સાથે જ બંને નેતાઓને ચેતવણી આપી છે કે, પોતાના નિવેદનોને લઈને સાવધાન રહે અને પંચની હવે તેમના પર ચૂંટણી દરમિયાન ખાસ નજર રહેશે. ચૂંટણી પંચે બંને નેતાઓને ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનના માટે દોષી ઠેરવ્યા છે અને ભવિષ્યમાં જાહેર નિવેદનો અંગે સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. 

પંચે નિવેદનોને લઈને સાવચેત રહેવા ચેતવણી આપી

ભાજપ સાંસદ દિલીપ ઘોષ અને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના નિવેદનોને લઈને ચૂંટણી પંચે બંને નેતાઓને નોટિસ પાઠવીને તેમના જવાબ માંગ્યા હતા. તેમના જવાબમાં બંને નેતાઓએ સ્વીકાર્યું કે તેઓએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને વ્યક્તિગત પ્રહાર કર્યા છે. જવાબ મળ્યા બાદ પંચે બંને નેતાઓને ચેતવણી આપી છે કે તેઓ ભવિષ્યમાં જાહેર નિવેદનો કરતા સાવચેતી રાખે. આ સાથે જ  ચૂંટણી દરમિયાન બંને નેતાઓના નિવેદનોની ચૂંટણી પંચ દ્વારા ખાસ સમીક્ષા કરવામાં આવશે. પંચે કહ્યું કે બંને નેતાઓએ નિમ્ન સ્તરના વ્યક્તિગત પ્રહાર કર્યા છે અને આ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. તેમને આદર્શ આચાર સંહિતાના સમયગાળા દરમિયાન જાહેર નિવેદનોમાં સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવી છે. પંચ દ્વારા સોમવારથી આ બંને નેતાઓના ચૂંટણી સંબંધિત સંવાદ પર વિશેષ અને વધારાની દેખરેખ રાખવામાં આવશે. 

પંચે પોતાની ચેતવણી નોટિસની કોપી પાર્ટીના અધ્યક્ષોને પણ મોકલી છે જેથી તેઓ પણ પોતાની પાર્ટીના નેતાઓને ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન અને વાંધાજનક નિવેદનને લઈને ચેતવણી આપી શકે. 

બંને નેતાઓએ મહિલાઓ અંગે આપ્યું હતું વાંધાજનક નિવેદન

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત અંગે  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ અંગે વિવાદ થયો હતો અને ભાજપે આ અંગે કોંગ્રેસના નેતાને ઘેર્યા હતા. બાદમાં સુપ્રિયા શ્રીનેતે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપવી પડી હતી. બીજી તરફ બીજેપી સાંસદ દિલીપ ઘોષે ચૂંટણી પ્રચાર દરમિયાન બંગાળના સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના પર ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો.


Google NewsGoogle News