ચૂંટણી પંચ જયરામ રમેશ અને પવન ખેડાના આ નિવેદનથી થયું નારાજ, ખડગેને પત્ર લખીને વાંધો દર્શાવ્યો
EC Angry Over Statements Of Jairam Ramesh And Pawan Khera: હરિયાણામાં ભાજપે 48 બેઠકો જીતીને હેટ્રિક લગાવી છે. જ્યારે બીજી તરફ જીતની આશા રાખી રહેલી કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ખાતામાં માત્ર 37 બેઠકો જ આવી છે. પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેડાએ પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો અને તેને તંત્રની જીત અને લોકતંત્રની હાર ગણાવી હતી. હવે તેમના આ નિવેદન પર ચૂંટણી પંચે વાંધો ઉઠાવ્યો છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળને મળવાનો સમય આપ્યો છે.
ચૂંટણી પંચે ખડગેને કહ્યું કે, 'અમે અણધાર્યા પરિણામો પર પાર્ટી અધ્યક્ષના સ્ટેન્ડને સ્વીકારીએ છીએ, ન કે પાર્ટીના નેતાઓના એ સ્ટેન્ડને કે પરિણામો અસ્વીકાર્ય છે. કોંગ્રેસના નેતાઓના નિવેદન પર પંચે કહ્યું કે દેશના સમૃદ્ધ લોકતાંત્રિક વારસામાં સામાન્ય અર્થોમાં ઉપરોક્ત જેવું અભૂતપૂર્વ નિવેદન સાંભળ્યું નથી. તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદેસર ભાગથી ખૂબ જ દૂર છે અને તે કાયદાકીય અને નિયમનકારી ચૂંટણી માળખા મુજબ વ્યક્ત લોકોની ઇચ્છાને લોકતાંત્રિક રૂપનો અસ્વીકાર કરવા તરફ દોરી જાય છે, જે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા સહિત દેશની તમામ ચૂંટણીઓને સમાન રીતે લાગુ પડે છે.'
ચૂંટણી પંચે આગળ કહ્યું કે, આ વચ્ચે પંચે તમારા અને વિપક્ષના એ નિવેદનોની પણ નોંધ કરી છે જેમાં હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવવામાં આવ્યા છે અને કોંગ્રેસ તેનું વિશ્લેષણ કરવા અને પોતાની ફરિયાદો સાથે ચૂંટણી પંચ સાથે સંપર્ક કરવાનો પ્રસ્તાવ રાખે છે. ચૂંટણી પંચને હવે એક અનુરોધ મળ્યો છે, જેમાં કોંગ્રેસના 12 સભ્યોના સત્તાવાર પ્રતિનિધિમંડળને મળવાનો સમય માગ્યો છે. તેમાં એ સભ્યો પણ સામેલ થશે જેમણે નિવેદન આપ્યા છે.
ચૂંટણી પંચે કહ્યું કે, વાજબી ધારણા પર આગળ વધતા પાર્ટી અધ્યક્ષનું નિવેદન ચૂંટણી પરિણામો પર પક્ષની ઔપચારિક સ્થિતિ છે, ચૂંટણી પંચે આજે સાંજે 6:00 વાગ્યે સુકુમાર સેન હોલ (સાતમા માળે) નિર્વાચન સદનમાં પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
કોંગ્રેસ નેતાઓએ લગાવ્યા હતા આ આરોપ
મંગળવારે પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે હરિયાણાના પરિણામો ખૂબ જ અણધાર્યા છે, અમે તેને સ્વીકારી નહીં શકીએ. અનેક જિલ્લાઓમાંથી ગંભીર ફરિયાદો આવી છે. પવન ખેડાએ કહ્યું હતું કે પરિણામો ચોંકાવનારા અને અમે ગ્રાઉન્ડ લેવલ પર જે જોયું તેનાથી તદ્દન વિપરીત છે. અમને અમારા કાર્યકર્તાઓ તરફથી મત ગણતરી સંબંધિત ફરિયાદો મળી રહી છે. અમે ટૂંક સમયમાં ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. આ તંત્રની જીત છે અને લોકતંત્રની હાર છે. અમે આ સ્વીકાર ન કરી શકીએ.
બીજી તરફ જયરામ રમેશે કહ્યું હતું કે, એક-બે દિવસમાં અમે ચૂંટણી પંચમાં જઈને ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. સ્થાનિક અધિકારીઓ પર દબાણ હતું. એવી ઘણી બેઠકો છે જ્યાં અમે હારી જ ન શકીએ પરંતુ અમે ત્યાં હારી ગયા. પરિણામો ભાવનાઓની વિરુદ્ધ જાય છે. અમારી પાસે ત્રણ જિલ્લામાં મત ગણતરી અંગે ગંભીર ફરિયાદો છે. આ માહિતી એકત્ર કરવામાં આવશે. હરિયાણામાં પરિણામો સંપૂર્ણપણે અણધાર્યા, આશ્ચર્યજનક અને વિરોધાભાસી છે. આ જમીની વાસ્તવિકતાથી વિપરીત છે. આ હરિયાણાના લોકોની ઇચ્છા વિરુદ્ધ છે અને આ પરિસ્થિતિમાં આ પરિણામોને સ્વીકારવા શક્ય નથી.