મહારાષ્ટ્રમાં કેશ ફોર વોટ કાંડમાં ભાજપ નેતા વિનોદ તાવડે સામે ચૂંટણી પંચની FIR, કુલ ત્રણ ફરિયાદ
Election Commission Action Against BJP Leader Vinod Tawde: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કેશ ફોર વોટ કાંડ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારામાં મતદારો ખરીદવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હવે આ મામલે ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તાવડે સામે FIR નોંધાવી છે. તાવડેની સાથે-સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક સામે પણ FIR નોંધવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ ઘટનામાં કુલ ત્રણ FIR નોંધાઈ છે, જે પૈકી બેમાં ભાજપ ઉમેદવાર અને એકમાં વિનોદ તાડવેનું નામ સામેલ છે.
મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું કે, 'નાલાસોપારામાં સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આચારસંહિતાના પાલન માટે રચાયેલી ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફ્લાઈંગ સ્ક્વોડે પરિસરનો તાગ મેળવ્યો હતો અને કેટલીક જપ્તી પણ કરી હતી. બધું નિયંત્રણમાં છે અને જે કોઈ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.'
આ અમારી વિરુદ્ધનું ષડયંત્ર છેઃ વિનોદ તાવડે
વિનોદ તાવડેએ પૈસાની વહેંચણીના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે, 'આ તેમની વિરુદ્ધ એક ષડયંત્ર છે અને ચૂંટણી પંચે તેની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. આ મહા વિકાસ અઘાડીના કાર્યકર્તાઓનું ષડયંત્ર છે. પોલીસ અને ચૂંટણી પંચે આ અંગે તપાસ કરવી જોઈએ. હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. હું મારા કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા બેઠકમાં ગયો હતો. આ દરમિયાન વિપક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલના સીસીટીવી ફૂટેજ પણ છે. તેની તપાસ કરો, બધું સ્પષ્ટ થઈ જશે.'
તાવડે પર પૈસા વહેંચવાનો સનસનીખેજ આરોપ
તમને જણાવી દઈએ કે, ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીના ગંભીર આરોપો લાગ્યા છે. બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે, ‘તાવડે પાંચ કરોડ રૂપિયા લઈને મુંબઈની વિવાન્તા હોટલમાં વહેંચવા માટે આવ્યા હતા. જો કે, ભાજપના નેતાઓએ આ તમામ આરોપો ફગાવી દીધા છે. બીજી તરફ, ચૂંટણી પંચે મુંબઈની હોટલમાંથી રૂ. દસ લાખ તેમજ બે ડાયરી પણ જપ્ત કરી છે. એવું કહેવાય છે કે, આ ડાયરીમાં એ લોકોના નામ છે, જેમને આ રોકડ આપવામાં આવી હતી.
તાવડે સામે FIR પછી કોંગ્રેસ સહિતના વિપક્ષ આક્રમક
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે. જો કે તેના એક દિવસ પહેલા ‘કેશ ફૉર વોટ’નો મામલો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે (Vinod Tawde) પર પૈસા વહેંચવા મુદ્દે ચૂંટણી પંચે FIR નોંધાવી છે. આ સાથે વિપક્ષો પણ આક્રમક મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા સવાલ કર્યો છે કે, ‘મોદીજી આ પાંચ કરોડ તમે કોના SAFE માંથી કાઢ્યા છે? પ્રજાના પૈસા લૂંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા છે? ’