Get The App

'7 મકાન, 6 ગાડીઓ..' જાણો પાંચ વર્ષમાં કેટલી વધી ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીની સંપત્તિ

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
'7 મકાન, 6 ગાડીઓ..' જાણો પાંચ વર્ષમાં કેટલી વધી ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીની સંપત્તિ 1 - image


Nitin Gadkari Net Worth: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે નોમિનેશનનો ગુરુવાર છેલ્લો દિવસ છે. આ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન અનેક મોટા ચહેરાઓએ પણ ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારબાદ ચૂંટણી એફિડેવિટમાંથી ઘણી રસપ્રદ માહિતી બહાર આવી છે. તેમની પત્ની કંચન ગડકરીના નામે નીતિન ગડકરી કરતાં વધુ સંપત્તિ છે. કેન્દ્રીય મંત્રીના નામે લગભગ 6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમની પત્નીના નામે 9 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 

પાંચ વર્ષમાં સંપત્તિ વધી કે ઘટી?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેમની એફિડેવિટમાં કુલ રૂ. 28.03 કરોડની સંપત્તિ જાહેર કરી છે. 2019ની ચૂંટણીમાં તેમણે કુલ રૂ. 18.79 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આ રીતે તેમની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. 10 વર્ષ પહેલા એટલે કે 2014માં કેન્દ્રીય મંત્રી પાસે કુલ રૂ. 15.37 કરોડની સંપત્તિ હતી.

કેન્દ્રીય મંત્રીની વાર્ષિક કમાણી

કમાણીની વાત કરીએ તો 2018-19માં કેન્દ્રીય મંત્રીની કુલ કમાણી 11.71 લાખ રૂપિયા હતી. આગામી નાણાકીય વર્ષમાં તેની કમાણી ઘટી. 2019-20માં તે ઘટીને 11.63 લાખ રૂપિયા થઈ ગયો. નીતિન ગડકરીની કમાણી 2020-21માં વધીને 13.31 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, 2021-22માં, કેન્દ્રીય મંત્રીની કમાણી ઘટી અને તે ઘટીને 12.30 લાખ રૂપિયા થઈ ગઈ. 2022-23માં તે વધીને 13.84 લાખ રૂપિયા થઈ ગયો.

રોકડ રકમ અને બેંક ખાતાઓ

એફિડેવિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે હાલમાં તેમની પાસે માત્ર રૂ. 12,300 રોકડા છે. જયારે તેમની પત્ની પાસે રૂ. 14,750 રૂપિયા છે. નીતિન ગડકરીના 21 બેંક ખાતાઓમાં 49.06 લાખ રૂપિયા જમા છે. તે જ સમયે, કંચન ગડકરીના બેંક ખાતામાં 16.03 લાખ રૂપિયા જમા છે. નીતિન ગડકરીના પરિવારના બેંક ખાતામાં 1.56 લાખ રૂપિયા જમા છે. આ ઉપરાંત તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં 35.55 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમજ તેમની પત્નીએ પણ 20.51 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, આ ઉપરાંત 4.43 લાખ રૂપિયાનું વીમા પ્રિમિયમ પણ જમા કરાવ્યું છે.

છ કારના માલિક

નીતિન ગડકરી અને તેમની પત્નીના નામે ત્રણ-ત્રણ વાહનો છે. જેમાં નીતિન ગડકરી પાસે 10,000 રૂપિયાની એમ્બેસેડર કાર, 16.75 લાખ રૂપિયાની હોન્ડા અને 12.55 લાખ રૂપિયાની ઇસુઝુ ડી-મેક્સ છે. જયરે તેમના પત્ની પાસે 5.25 લાખ રૂપિયાની ઈનોવા કાર, 4.10 લાખ રૂપિયાની મહિન્દ્રા કાર અને 7.19 લાખ રૂપિયાની ટાટા ઈન્ટ્રા કાર છે.

લાખોની કિંમતના સોનાના દાગીના

કેન્દ્રીય મંત્રીની પાસે 31.88 લાખ રૂપિયાની કિંમતના 486 ગ્રામ સોનાના દાગીના છે. તેમજ તેમની પત્નીના નામે 368 ગ્રામ સોનું છે જેની કિંમત 24.13 લાખ રૂપિયા છે. આ સિવાય નીતિન ગડકરીને 31.10 લાખ રૂપિયાની કિંમતનું 474 ગ્રામ સોનું વારસામાં મળ્યું છે. આથી એવું કહી શકાય કે નીતિન ગડકરી પાસે કુલ 3.53 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. જેમાંથી પોતાની પાસે 1.32 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ, પત્ની કંચનની 1.24 કરોડ રૂપિયા અને વારસામાં 95.46 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ ધરાવે છે.

તેમના નામે જમીન અને મકાન

નીતિન ગડકરીના નામે નાગપુરમાં 15.74 એકર ખેતીની જમીન છે, જેની કિંમત 1.57 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમના પરિવાર પાસે 1.79 કરોડ રૂપિયાની 14.60 એકર ખેતીની જમીન છે. આ ઉપરાંત તેમના અને તેમના પરિવારના નામે મુંબઈ અને નાગપુરમાં સાત ઘર છે. રૂ. 4.95 કરોડની કિંમતના બે એપાર્ટમેન્ટ મુંબઈમાં છે તો આ સિવાયના પાંચ મકાન નાગપુરમાં છે. આમ તેમના અને તેમના પરિવારના નામે 24.49 કરોડ રૂપિયાના ખેતરો અને મકાનો જેવી સ્થાવર સંપત્તિ છે.

આવકનો સ્ત્રોત શું છે?

નીતિન ગડકરીએ તેમની આવકના સ્ત્રોત તરીકે ખેતી, વેતન અને અન્ય સ્ત્રોતોમાંથી કમાણીનો ઉલ્લેખ કર્યો છે. નીતિન ગડકરીએ 1982માં યુનિવર્સિટી કોલેજ ઓફ લો (નાગપુર યુનિવર્સિટી)માંથી એલએલબી કર્યું છે.

'7 મકાન, 6 ગાડીઓ..' જાણો પાંચ વર્ષમાં કેટલી વધી ભાજપના કદાવર નેતા નીતિન ગડકરીની સંપત્તિ 2 - image


Google NewsGoogle News