Get The App

ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા વૃદ્ધ, પાર્સલમાં પ્રતિબંધિત દવા છે કહીને 10 કરોડ પડાવી લીધા

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા વૃદ્ધ, પાર્સલમાં પ્રતિબંધિત દવા છે કહીને 10 કરોડ પડાવી લીધા 1 - image


- ડિજિટલ એરેસ્ટ જેવું કશું નથી : છતાં લોકો ગભરાય છે

- વૃદ્ધના નામે આવેલા પાર્સલમાં પ્રતિબંધિત દવાઓ હોવાનું કહી ધરપકડનો ડર બતાવી રકમ ટ્રાન્સફર કરાવી લીધી 

દિલ્હી : દિલ્હીના રોહિણીમાં રહેતા એક 70 વર્ષીય વૃદ્ધની જીવનભરની કમાણી છેતરપિંડી આચરનારાઓએ થોડીક જ મિનિટોમાં છીનવી લીધી હતી. આ માટે સાયબર અપરાધીઓએ સૌથી પહેલા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતાં અને ત્યારબાદ 10 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. ડિજિટલ એરેસ્ટ જેવું કશું જ નથી તેમ સરકારો અને કેન્દ્રીય એજન્સીઓના વારંવાર કહેવા છતાં લોકો ગભરાય છે અને છેતરાઈ જાય છે.

સાયબર ક્રિમિનલોએ વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના નામે આવેલા પાર્સલમાં તાઇવાનથી અનેક પ્રતિબંધિત દવાઓ આવી છે. વૃદ્ધ ડરી ગયા અને પછી ક્રિમિનલોએ પોલીસ બનીને ખાતાઓમાં જમા રકમ એક હજારથી વધારે અલગ અલગ ખાતાઓમાં જમા કરાવી લીધી હતી.

ક્રિમિનલોએ રિટાયર્ડ એન્જિનિયર પાસેથી 10 કરોડ 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે. પોલીસ અત્યાર સુધીમાં ફક્ત 60 લાખ રૂપિયાની જ રકમ ફ્રીઝ કરાવી શકે છે. 

ક્રિમિનલોએ લગભગ અડધા કલાક સુધી પીડિતને વીડિયો કેમેરાની સામે બેસી રહેવા મજબૂર કર્યા હતાં આ દરમિયાન સમગ્ર પરિવારને કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

મદદ કરવાના નામે ક્રિમિનલોએ વૃદ્ધના ખાતાઓમાં જમા સમગ્ર રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. અચાનક આવેલા ફોન કોલથી વૃદ્ધની જીવનભરની કમાણી લૂંટાઇ ગઇ હતી. 

પીડિત વૃદ્ધે દેશની પ્રતિષ્ઠિત કોલેજમાં ભણ્યા પછી અનેક કંપનીઓમાં ટોચના પદો પર નોકરી હતી. જ્યારે વૃદ્ધે આ કોલ ઉપાડયો તો સામેથી જણાવવામાં આવ્યું કે આ કોલ તેમના નામ પર આવેલ કુરિયર સાથે સંકળાયેલો છે. 

ક્રિમિનલોએ તેમને કેમેરા ઓન કરીને ઓનલાઇન રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ એક ક્રિમિનલ પોલીસ અધિકારી બનીને તેમની સામે આવ્યો હતો. વૃદ્ધ એટલા ડરી ગયા હતાં કે તેમણે પોતાના એકાઉન્ટની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. 

જ્યારે વૃદ્ધને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઇ રહી છે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. ત્યારબાદ વૃદ્ધે પોલીસને ઘટનાની જાણ કરી હતી. 


Google NewsGoogle News