અલ-નિનોની અસર મે મહિના સુધી રહેશે : તેથી શિયાળો 'ગરમ' રહેતા ઘઉંના પાક ઉપર અસર પડવા સંભવ છે

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
અલ-નિનોની અસર મે મહિના સુધી રહેશે : તેથી શિયાળો 'ગરમ' રહેતા ઘઉંના પાક ઉપર અસર પડવા સંભવ છે 1 - image


- ઘઉં, માછલી, ચોખા અને અન્ય ખાદ્યાન્ન (શાકભાજી)ના ભાવ વધશે

- તહેવારોને લીધે ઘઉં/ લોટના ભાવ વધી જ ગયા છે, તેમાં સરકારે ટેકાના ભાવ વધારતા ઘઉંના ભાવ વધુ ઉંચા જશે

નવી દિલ્હી, ચંડીગઢ : દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઘઉં ઉત્પાદક રાજ્યો આવી જાય છે તેમાં કેન્દ્ર સરકારે બુધવારે વિવિધ 'રવી' પાકના ટેકાના ભાવ (મીનીમમ સપોર્ટ પ્રાઇસ એમ.એસ.પી.)માં ક્વિંટલદીઠ રૂ. ૧૫૦/-નો વધારો જાહેર કર્યો છે તેથી ૨૦૨૩-'૨૪ની માર્કેટિંગ સીઝન (એપ્રિલ- માર્ચ)માં ઘઉંના ટેકાના ભાવ જે ક્વિંટલદીઠ રૂ. ૨,૧૨૫ રહ્યા હતા. તે વધીને રૂ. ૨,૨૭૫ '૨૪-'૨૫માં પહોંચી જશે.

સરકાર આ દ્વારા મતના મુખ્ય આધાર સમાન ખેડૂતોને ખુશ કરવા માંગે છે. સાથે, અન્ન ઉત્પાદન તરફ તેઓ વધુ વળે તેવી પણ આશા રાખે છે. એક તરફ ટેકાના ભાવ વધવા સાથે ઘઉંના ભાવ વધારો થવાનો જ છે. તેમાં અલ-નીનોની અસર આગામી મે મહિના સુધી રહેવાની શક્યતા જોતાં શિયાળો આ વર્ષે સામાન્ય કરતા શિયાળો વધુ 'ગરમ' રહેવા સંભવ છે. બીજી તરફ સરકાર ઘઉં ઉપરની ૪૦ ટકા જેટલી આયાત ડયુટી ઘટાડવા તૈયાર લાગતી નથી. અત્યારે તો કોઈ એવી યોજના દેખાતી પણ નથી તેથી ઘઉંના ભાવ ઉંચા જવાના જ છે તેની પાછળ ચોખા સહિત અન્ય ખાદ્યાન્નના ભાવ પણ વધતા સંભવ છે. તેની આડઅસર શાકભાજી ઉપર પણ પડતા જનસામાન્યની થાળી મોઘી થઈ જસે તેવું પણ નિરીક્ષકો અનુમાન બાંધે છે.

અમેરિકાના ક્લાઇમેટ પ્રિડીક્શન સેન્ટર (સીસીસી)એ જણાવ્યું છે કે અલ-નિનોની અસર તો વિશ્વભરમાં મે મહિના સુધી રહેવાની છે. (અલ-નિનો મધ્ય દક્ષિણ પેસિફીકમાંથી ઉદ્ભવતો ગરમ પ્રવાહ છે) તેમાંએ તે જો પ્રબળ બની મે (૨૪) સુધી ચાલુ રહે તો ૯૫% શક્યતા છે કે, '૨૩-'૨૪ દરમિયાન શિયાળા 'ગરમ' રહેશે.

તે સર્વિવિદિત છે કે, ઘઉંને ઉગવા માટે પ્રાથમિક તબક્કે સતત ઠંડુ આશરે ૧૫થી ૧૬ ડીગ્રી સેલ્સિયસ જેટલું જ ઉષ્ણતામાન રહેવું જોઈએ તેથી વધુ ઉંચુ ઉષ્ણતામાન જતા ઘઉંના પાકનો ઉતાર ઘટી જાય છે. દાણા પણ નાના આવે છે. આ ઉપરથી એક્સપર્ટસ કહે છે કે, આ પરિસ્થિતિ આગામી શિયાળુ/ રવિ સીઝનમાં ચાલુ રહેશે તેથી સકાર સચિંત બની ગઈ છે.

આ પરિસ્થિતિમાં વ્યાપાર/ ઉદ્યોગોના અગ્રણીઓ આયાત- નિકાસ ખુલ્લો કરવાનો સરકારને અનુરોધ કરે છે પરંતુ સરકાર ખેડૂતોને અનાજ ઉગાડવા માટે પ્રોત્સાહન મળે તેવું કારણ દર્શાવી આયાત ડયુટી ઘટાડવા તૈયાર નથી તેમ પણ આંતરિક સાધનો દ્વારા જાણવા મળ્યું છે.

એક તરફ ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ ઘઉંની સંઘરાખોરી રોકવા સરકારે જથ્થાબંધ સંગ્રહની મર્યાદા ૩,૦૦૦ ટનથી ઘટાડીને ૨,૦૦૦ ટન કરી છે તે મર્યાદામાં ઘઉં તથા ઘઉંનો લોટ બંને આવરી લેવાયા છે.

આ પરિસ્થિતિમાં ઘઉંનો ભાવ કાબુમાં રાખવા મે મહિનામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ)એ ઓપન માર્કેટ સેલ- સ્કીમ (ઓ.એમ.એસ.) નીચે આગામી જુલાઈથી બજારમાં પોતાની પાસેનો ઘઉંનો જથ્થો ક્વાર્ટરલી બેઝ (ત્રિમાસિક સ્તરે) બજારમાં મુકવા નિર્ણય લીધો છે તે દ્વારા તે ઘઉંના ભાવ સ્થિર રાખવા પ્રયત્ન કરશે. પરંતુ સામાન્ય માનવી પણ સમજી શકે તેવી વાત તે છે કે તે તો થશે ત્યારે થશે પરંતુ ત્યાં સુધી ઘઉં અને ઘઉંની પાછળ વધનારા અનાજ- કઠોળના ભાવ તેમજ તેની આડઅસરથી વધનારા શાકભાજીના પણ ભાવમાં સામાન્ય માનવી તો પીસાઈ જશે.

Wheat

Google NewsGoogle News