મહાયુતિ પર સંકટ? શિંદેની શિવસેનાનું 'બળવાખોર' જેવું વલણ, ડેપ્યુટી CM પદ સ્વીકારવા ઈનકાર
Eknath Shinde: મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને તણાવ વધતો જોવા મળી રહ્યો છે. એવામાં હવે સામે આવ્યું છે કે શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહિ. એવા અહેવાલો હતા કે ભારતીય જનતા પાર્ટી દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના ટોચના પદ પર પોસ્ટ કરવા માંગે છે, પરંતુ આ અંગે શિવસેના સાથે ચર્ચા ચાલી રહી છે. મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી, શિંદેએ ભાજપ સાથે સરકાર બનાવી અને મુખ્યમંત્રી બન્યા હતા.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું પદ નહિ સ્વીકારે: શિવસેના
આ મામલે હવે શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું પદ નહિ સ્વીકારે. મીડિયા સાથે વાતચીત દરમિયાન શિવસેનાના સંજય શિરસાતે કહ્યું કે, 'આ વિધાનસભા ચૂંટણી એકનાથ શિંદેના નામ પર લડવામાં આવી હતી. આથી તેઓ ફરી મુખ્યમંત્રીના પદ માટે હકદાર છે. આથી તેઓ નાયબ મુખ્યમંત્રીનું પદનો સ્વીકાર નહિ કરે. મહાયુતિએ આ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકમાંથી 230 બેઠક જીતી છે.
શિવસેના અને ભાજપના નિવેદનો અલગ અલગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવસેનાના નેતા એવા દાવા કરે છે કે, 'લોકસભા ચૂંટણીમાં મહાયુતિના ખરાબ પ્રદર્શન બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત થશે તો મુખ્યમંત્રી એકનાથ શિંદેને જ બનાવવામાં આવશે.' જયારે ભાજપના નેતાઓનું કહેવું છે કે, 'પહેલા જ નક્કી થયુ હતું કે ચૂંટણીના પરિણામ બાદ ત્રણેય પાર્ટીના નેતા સાથે બેસીને નક્કી કરશે.'
2022માં મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર શિંદેના કારણે જ બની હતી
2019ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ઉદ્ધવ ઠાકરે સાથેના ગઠબંધનના કારણે તે સત્તામાં આવી શકી નથી. પરંતુ, અઢી વર્ષ પછી એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને ભાજપ સાથે હાથ મિલાવ્યા અને આમ એનડીએની સરકાર બની. એટલે કે શિંદેના કારણે જ 2022માં મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બની હતી.