શિંદેની સ્પષ્ટતા બાદ દેવેન્દ્ર ફડણવીસે CM પદ અંગે આપ્યું મોટું નિવેદન, અજિત પવારે કર્યો નવો દાવો
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ચાર દિવસ બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૌન તોડ્યું. તેમણે બુધવારે કહ્યું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભરોસો અપાવ્યો છે કે મુખ્યમંત્રીના નામ પર ભાજપ જે પણ નિર્ણય લેશે, તેનું હું પાલન કરીશ. શિંદેની જાહેરાત બાદ નવી સરકાર બનાવવા અંગે રસ્તો સાફ થઈ ચૂક્યો છે. સંભાવના છે કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં નવી સરકાર બની શકે છે. જણાવી દઈએ કે, થાણેમાં પોતાના ઘર પર સંમેલન દરમિયાન શિંદેએ કહ્યું કે, 'તેઓ આગામી મુખ્યમંત્રીના નામ માટે ભાજપના નેતૃત્વના નિર્ણયનું સંપૂર્ણ રીતે સમર્થન કરશે અને આ પ્રક્રિયામાં કોઈ અડચણ ઉભી નહીં કરે.' બીજી તરફ અજિત પવારે દાવો કર્યો છે કે 1 ડિસેમ્બરે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે અને બે નાયબ મુખ્યમંત્રી પણ હશે.
આવતીકાલે મહારાષ્ટ્રના CM અંગે લેવાશે નિર્ણય
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી અંગે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. આવતીકાલે (28-11-2024) દિલ્હીમાં મહાયુતિના ત્રણેય દળોની ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.
અમારી મહાયુતિમાં કોઈ મતભેદ નથી : ફડણવીસ
શિંદેના નિવેદન પર હવે દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મુખ્યમંત્રી પદ પર શિંદેની દાવેદારીના દાવાઓ પર તેમણે કહ્યું કે, 'અમારી મહાયુતિમાં ક્યારેય એકબીજા પ્રત્યે મતભેદ નથી રહ્યા. અમે હંમેશા મળીને નિર્ણય લીધા છે. અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે ચૂંટણી બાદ આપણે (મુખ્યમંત્રી પદ અંગે) સામૂહિક રીતે નિર્ણય લઈશું. કેટલાક લોકોને શંકા હતી જે એકનાથ શિંદેજીએ આજે સ્પષ્ટ કરી દીધી છે. ટુંક સમયમાં જ અમે અમારા નેતાઓને મળીશું અને નિર્ણય કરીશું.'
1 ડિસેમ્બરે મુખ્યમંત્રીના શપથ લેવાની સંભાવના : અજિત પવાર
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે, 'નવા મુખ્યમંત્રીના 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે શપથ લેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, નવી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. શિંદેએ તે સમાચારોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્તાધારી મહાયુતિ ગઠબંધન હેઠળ બીજો કાર્યકાળ ન મળવાથી તેઓ નારાજ થયા છે. કોઈ નારાજ નથી. અમે મહાયુતિ તરીકે કામ કર્યું છે.'
આ પણ વાંચો : એકનાથ શિંદે બાદ મહારાષ્ટ્ર ભાજપનું મોટું નિવેદન, કહ્યું- 'તેમણે તમામ શંકાઓ દૂર કરી'
એકનાથ શિંદેએ શું કહ્યું હતું?
એકનાથ શિંદેએ કહ્યું કે, 'હું ખુલ્લા દિલનો માણસ છું. હું નાનું વિચાર રાખવા વાળો કે નારાજ થનારો માણસ નથી. હું જનતા માટે કામ કરવા વાળો નેતા છું. ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ. મને મુખ્યમંત્રી પદની લાલચ નથી. મેં ક્યારેય ખુદની મુખ્યમંત્રી નથી માન્યો. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મેં હંમેશા રાજ્યના ભલા માટે કામ કર્યું છે. મહારાષ્ટ્રની લાડલી બહેનોનો હું લાડલો ભાઈ છું.'
આ પણ વાંચો : 'ભાજપના કોઈ પણ નેતાને CM તરીકે અમારું સમર્થન', શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યું