'બાલાસાહેબ કોંગ્રેસથી દૂર રહેવાનું કહેતા હતા પણ ઉદ્ધવે..' પહેલીવાર શિંદેએ સત્તાપલટાનો ફોડ પાડ્યો
Eknath Sinde Attack on Uddhav | મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, ઉદ્ધવે મુખ્યમંત્રી બનવા માટે જ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. શિંદેએ કહ્યું, 'બાલાસાહેબ ઠાકરે કહેતા હતા કે કોંગ્રેસથી દૂર રહો.'
શું બોલ્યા શિંદે?
એકનાથ શિંદેએ કહ્યું, 'જ્યારે રાજ્યમાં મહા વિકાસ અઘાડીની સરકાર હતી ત્યારે હું પણ તેમાં સામેલ હતો. પરંતુ તે સરકાર બાલાસાહેબ ઠાકરેના વિચારોની વિરુદ્ધ હતી. મેં ઉદ્ધવ ઠાકરેને ઘણું સમજાવ્યું પરંતુ તેમણે મુખ્યમંત્રી બનવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું.
બાલાસાહેબ કહેતા હતા કે...
શિંદેએ કહ્યું કે, 'બાલાસાહેબ ઠાકરે કહેતા હતા કે કોંગ્રેસથી અંતર જાળવો. અમારી પાર્ટીને નુકસાન થઈ રહ્યું હતું, અમારી પાર્ટી પતનના આરે હતી, એટલે જ અમે સરકારને ઉથલાવી અને શિવસેના ભાજપ ગઠબંધનની સરકાર બનાવી. છેલ્લા બે વર્ષમાં અમે જનતા માટે કામ કર્યું છે.
સીએમના ચહેરા વિશે શું કહ્યું શિંદેએ?
લોકસભા ચૂંટણી અને સીએમ ચહેરા અંગે શિંદેએ કહ્યું, 'લોકસભા ચૂંટણીમાં વોટ શેર શિવસેના તરફ રહ્યો. આ ચૂંટણીઓમાં પણ આવું જ થશે. અત્યારે હું ટીમ લીડર છું. અમારી ટીમ કામ કરી રહી છે. અમારી ટીમમાં દરેક વ્યક્તિ સમાન છે. અમારો હેતુ ગઠબંધનની સરકારને ફરી સત્તામાં લાવવાનો અને રાજ્યનો વિકાસ કરવાનો છે.