AAPના 15 ઉમેદવારોએ શિવસેનાનો સિમ્બોલ માગ્યો હતો પણ મેં... એકનાથ શિંદેને મોટો દાવો
Eknath Shinde: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે AAPના 15 ઉમેદવારોએ તેમની પાર્ટી શિવસેનાના સિમ્બોલ માટે મારો સંપર્ક કર્યો હતો, પરંતુ મેં તેનો ઇનકાર કર્યો હતો.
AAPના ઉમેદવારોએ શિવસેનાનો સિમ્બોલ માગ્યો હતો
એકનાથ શિંદે રવિવારે તેમના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે થાણે આવ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, 'AAPના કુલ 15 ઉમેદવારો મારી પાસે પહોંચ્યા હતા. તેમણે શિવસેનાના સિમ્બોલ પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મેં વિચાર્યું કે જો ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ તેમની પાસે જશે તો બીજેપી અને શિવસેનાના મતોનું વિભાજન થશે, જેનો ફાયદો અન્યને થશે. તેથી મેં તેમને ના પાડી.'
ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે કહ્યું હતું
ડેપ્યુટી સીએમ શિંદેએ આ કાર્યક્રમમાં કહ્યું, 'મેં મારા સાંસદોને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું કહ્યું હતું.' આ બાબતે એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, 'જુઠ્ઠાણાનો પરાજય થયો છે. મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીના મતદારોએ પણ ભાજપના નેતૃત્ત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'
આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા શિંદેએ કહ્યું કે, 'દિલ્હીના વિકાસમાં અવરોધો દૂર થઈ ગયા છે. બંધારણ જોખમમાં છે એવો ખોટો દાવો કરનાર કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટીને મતદારોએ પાઠ ભણાવ્યો છે. આ મોદીની ગેરંટીનો જાદુ છે. અસત્યનો પરાજય થયો છે અને મતદારો સત્યની સાથે ઉભા છે.'
આ પણ વાંચો: ડંકી રુટ દ્વારા અમેરિકા જતા પંજાબના યુવકનું મોત, ટ્રાવેલ એજન્ટે 36 લાખ પડાવ્યાનો આરોપ
દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીત
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 27 વર્ષ બાદ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. ભાજપે 70માંથી 48 બેઠકો જીતી છે. જ્યારે 2015 અને 2020માં દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠક જ જીતી હતી, જ્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા ટોચના નેતાઓ ચૂંટણી હારી ગયા હતા. તેમજ કોંગ્રેસ તો આ વખતે ખાતું પણ ખોલવી શકી ન હતી.