મહારાષ્ટ્રના CM પદેથી એકનાથ શિંદેનું રાજીનામું, નવી સરકારના ગઠનની તૈયારીઓ તેજ
Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. નોધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. શિવસેના (શિંદે જૂથ)ના વિધાયક દળના નેતા એકનાથ શિંદે ચૂંટાયા છે, જ્યારે એનસીપી (અજિત પવાર જૂથ)ના ધારાસભ્ય દળના નેતા અજિત પવાર ચૂંટાયા છે. હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે અને નેતાની પસંદગી થવાની છે.
દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદની રેસમાં આગળ
મહારાષ્ટ્રમાં ત્રણેય પક્ષો બેસીને મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય લેશે. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે આગળ ચાલી રહ્યું છે. જો કે, શિવસેના (શિંદે જૂથ)ના નેતાઓ પણ એકનાથ શિંદે પર સીએમ પદ પર રહેવા માટે દબાણ કરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં NDAને મોટી સફળતા મળી છે. રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. ભાજપે 132 બેઠક જીતી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ વખતે મુખ્યમંત્રી પદ ભાજપ પાસે જશે.
મહાયુતિએ 230 બેઠક જીતી
એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના 'મહાયુતિ' ગઠબંધને તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 288માંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી, જ્યારે વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA)ને માત્ર 46 બેઠકો મળી હતી.
•ભાજપે 132 બેઠક જીતી છે.
•એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ 57 બેઠક જીતી છે.
•અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ 41 બેઠક જીતી છે.