શિંદેને ભાજપે આપી બે ઑફર, પણ તે તૈયાર નથી: કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શપથ ગ્રહણ માટે મુંબઈના આઝાદ મેદાનમાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પુષ્ટિ કરી છે કે, આ સમારોહ પાંચ ડિસેમ્બર થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ઘણાં મોટા નેતા સામેલ થશે. જોકે, ભાજપે સત્તાવાર રીતે મુખ્યમંત્રીના નામ પર કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ, પાર્ટીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રીના પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લગાવી દીધી છે. વળી, NDAના વરિષ્ઠ નેતા રામદાસ આઠવલેએ મંગળવારે કહ્યું કે, મુખ્યમંત્રી પદ માટે ફડણવીસના નામનું એલાન થવાનું છે.
શિંદે ઑફરનો કર્યો અસ્વીકાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સવાલ પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, 'મને લાગે છે કે, કાલે જે બેઠક થવાની છે તેમાં ભાજપ હાઇ કમાન્ડ તમામ ધારાસભ્યોની વાત સાંભળશે. મને લાગે છે કે, કાલે દેવેન્દ્ર ફડણવીસના નામનું એલાન થઈ શકે છે. તેમનો નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સારો રહ્યો છે. એકનાથ શિંદેને કોઈ તકલીફ નથી. તે પહેલાં જ કહી ચુક્યા છે કે, તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી. ભાજપ હાઇ કમાન્ડે પહેલાં જ જણાવી દીધું છે કે, શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે. તેમની પાસે મહાયુતિનું અધ્યક્ષ પદ લેવા અથવા કેન્દ્રીય મંત્રી બનવાનો વિકલ્પ છે, પરંતુ તેઓ તેના માટે તૈયાર નથી. તે નર્વસ છે.'
શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન
આ બધાની વચ્ચે, મુંબઈના આઝાદ મેદાનમાં સુરક્ષાને લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય આયોજન બનાવવાની તૈયારી ચાલી રહી છે. આશા છે કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ 4 ડિસેમ્બરે ખતમ થઈ જશે. જેના માટે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પોતાના નેતા પસંદ કરશે. આ દરમિયાન નાણાંમંત્રી સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, બે વાર રાજ્યના મુખ્યમંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. ધારાસભ્ય દળની બેઠક બુધવારે સવારે વિધાન ભવનમાં થશે, જ્યાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી શકે છે. 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયૂતિએ 288 બેઠકો જીતી હતી. તેમાંથી 132 બેઠકો પર ભાજપને જીત મળી હતી.