સૈફ અલી ખાન પર હુમલાને લઈને DyCM શિંદેનું પહેલું નિવેદન, કહ્યું- 'આ ચિંતાજનક સંકેત'
Eknath Shinde On Saif Ali Khan Attacked : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે શુક્રવારે પીડાદાયક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી. તેમણે કહ્યું કે, કલાકારો પર આવા હુમલા બિલકુલ ખોટા છે અને તે સમાજ માટે ચિંતાજનક સંકેત છે.
'કલાકારો પર આવા હુમલા ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે'
એકનાથ શિંદેએ આજે શુક્રવારે કહ્યું કે, 'સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો મામલો ખુબ દુઃખદ છે. કલાકારો પર આવા હુમલા ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે. આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ ચોરી કરવાને લઈને આ પ્રકારનું પગલું ભર્યું હતું.'
શિંદેએ શું કહ્યું?
શિંદેએ કહ્યું કે, 'રાજ્ય સરકાર તમામ નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને નક્કર પગલાં લઈ રહી છે. તેમણે ખાતરી આપી કે સરકાર આવી ઘટનાઓ અટકાવવાની પોતાની જવાબદારી નિભાવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવે.'
પોલીસે અધિકારીએ શું કહ્યું?
એક તરફ એકનાથ શિંદેએ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે, ત્યારે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર લૉ એન્ડ ઑર્ડર સત્યનારાયણ ચૌધરીએ આ મામલે અલગ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'હાલના તબક્કે હજુ કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.' પોલીસ અધિકારના મુજબ, હુમલા બાદ આરોપી વિશે કડીઓ મેળવવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સુધી પહોંચવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર થયેલા હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નહીં: મહારાષ્ટ્રના મંત્રી
શું છે સમગ્ર ઘટના?
ગુરુવારે વહેલી સવારે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસેલા એક ચોરે એક્ટર સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિનેતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પછી સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી. એક્ટરની ટીમ દ્વારા સૈફના સ્વાસ્થ્ય અંગે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે, 'તે હવે ખતરાની બહાર છે.'