મહારાષ્ટ્રમાં ક્યાં ફસાયો પેચ? ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી શિંદે, ભાજપ કરી રહ્યું છે દબાણ
Maharashtra CM Race: મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઇન્કાર કર્યો છે. સૂત્રો અનુસાર, શિંદે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ પક્ષના બીજા કોઈ નેતાને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. એકનાથ શિંદેએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ મુંબઈમાં આ મુદ્દે યોજાનારી બેઠકો રદ થતાં ફરી પાછો વિવાદ વકર્યો હોવાના અહેવાલો મળ્યા છે.
શિંદેએ આ પદ માગ્યા
મીડિયા અહેવાલો અનુસાર, શિંદેએ વિધાનસભામાં અધ્યક્ષ પદ અને ગૃહ મંત્રાલય ઉપરાંત નગર વિકાસ વિભાગની જવાબદારીઓ માગી હતી. શિંદે સતત નિવેદનો આપી પોતે ભાજપની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ BIG NEWS: મહારાષ્ટ્રમાં નવા-જૂનીના એંધાણ? મહાયુતિની આજની બંને બેઠકો રદ
ભાજપ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા માગે છે?
મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા લોકોના મતે, ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોને એકતાનો સંદેશ આપવા માટે તેની સરકારની મુખ્ય ટીમમાં શિંદેને તેના ડેપ્યુટી સીએમ તરીકે સામેલ કરવા માંગે છે. જોકે, શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને શાહની પસંદગીને અનુસરશે. પરંતુ શિંદેએ આ પદ લેવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે.
શિંદે સાથ આપે, તો અજિત પવાર સાઇડલાઇન થઈ શકે
ભાજપ પણ ઇચ્છે છે કે મહાવિકાસ અઘાડીના લોકો આ મહત્ત્વના મુદ્દાને લઈને કોઈ નવો વિવાદ ઊભો ન કરે, તેથી ભાજપના નેતાઓ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા સતત મનાવી રહ્યા છે. આ નિર્ણય અંગે અન્ય એક સૂત્રનું માનવું છે કે જો શિંદે સાચા ભાઈની જેમ ભાજપને સાથ-સહકાર આપતાં રહે તો ભાજપને વારંવાર અજિત પવાર તરફ જોવાની જરૂર નહીં પડે.